Karnataka gangrape accused parade: કર્ણાટકના હાવેરી જિલ્લામાંથી એક અત્યંત શરમજનક અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ૨૦૨૪ના હનાગલ ગેંગરેપ કેસમાં સાત મુખ્ય આરોપીઓને કોર્ટમાંથી જામીન મળ્યા બાદ, શુક્રવારે રાત્રે તેમણે વિજય સરઘસ કાઢીને જાહેરમાં ઉજવણી કરી હતી. આરોપીઓનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર જિલ્લા અને રાજ્યમાં ભારે રોષ વ્યાપ્યો છે. આરોપીઓની મુક્તિ અને તેમની જાહેર ઉજવણીએ માત્ર પીડિતાની લાગણીઓને ઠેસ પહોંચાડી નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થા પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
ગેંગરેપની ચોંકાવનારી વિગતો
જાન્યુઆરી ૨૦૨૪માં એક યુવતીએ સાત લોકો પર ગેંગરેપનો આરોપ લગાવ્યો હતો. યુવતી હાવેરી જિલ્લાની એક હોટલમાં તેના મિત્ર સાથે રોકાઈ હતી. આ દરમિયાન ૧૫ થી ૨૦ આરોપીઓ રૂમમાં ઘૂસી આવ્યા હતા અને બંનેને ખૂબ માર માર્યો હતો. ત્યારબાદ તેઓ યુવતીને ખેંચીને પોતાની સાથે લઈ ગયા હતા. આરોપીઓ તેને કારમાં જંગલમાં લઈ ગયા હતા અને ત્યાં સાત યુવકોએ એક પછી એક તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ક્રૂર કૃત્ય બાદ, આરોપીઓ પીડિતાને કારમાં બેસાડીને શહેરમાં ફરતા રહ્યા હતા, જે ઘટનાની ભયાવહતા દર્શાવે છે.
ધાર્મિક ભેદભાવ અને વીડિયો વાયરલ
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મહિલા આરોપીઓની પરિચિત હતી. તેનો એકમાત્ર 'વાંક' એ હતો કે તે હોટલમાં બીજા ધર્મના એક યુવાન સાથે હતી. આરોપીઓએ દંપતીને લાતો અને મુક્કા મારતી વખતે સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી હતી. પીડિતાએ પોતે પણ સોશિયલ મીડિયા પર આ હુમલાનો વીડિયો પોસ્ટ કર્યો હતો.
કુલ ૧૯ આરોપીઓ, ૧૨ ને પહેલાથી જ જામીન
આ કેસમાં કુલ ૧૯ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં સાત મુખ્ય આરોપીઓનો સમાવેશ થાય છે. અન્ય બાર આરોપીઓ ગુનામાં મદદ કરવા અથવા પીડિતા પર શારીરિક હુમલો કરવામાં કથિત રીતે સંડોવાયેલા હતા. આ બાર આરોપીઓને લગભગ દસ મહિના પહેલા જ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. હવે બાકીના ૭ મુખ્ય આરોપીઓ — આફતાબ ચંદનકટ્ટી, મદાર સાબ મંદાક્કી, સમીવુલ્લા લલનાવર, મોહમ્મદ સાદિક અગાસિમાની, શોએબ મુલ્લા, તૌસીપ ચોટી અને રિયાઝ સવેકેરી — ને પણ જામીન મળી ગયા છે.