દિલ્હી હાઈકોર્ટે દિલ્હીમાં બિન-અનુદાનિત શાળાના શિક્ષકોના પગારને લઈને મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે બિન-અનુદાનિત ખાનગી શાળાઓના શિક્ષકો સરકારી શાળાના શિક્ષકો સમાન પગાર અને અન્ય ભથ્થા મેળવવા માટે હકદાર છે. કોર્ટનો આ નિર્ણય એક ખાનગી શાળાની અરજીના જવાબમાં આવ્યો છે જેમાં તેણે તેના શિક્ષકોને સાતમા કેન્દ્રીય પગાર પંચ મુજબ પગાર ચૂકવવાના નિર્દેશને પડકાર્યો હતો.


ખાનગી શિક્ષકોને સમાન વેતન આપવાની કાનૂની જવાબદારી


પોતાના ચુકાદામાં દિલ્હી હાઇકોર્ટે દિલ્હી શાળા શિક્ષણ અધિનિયમની કલમ 10 નો ઉલ્લેખ કરીને અવલોકન કર્યું કે કોઇ માન્યતા પ્રાપ્ત ખાનગી શાળાના પગાર અને ભથ્થાં, તબીબી સુવિધાઓ, પેન્શન, ગ્રેચ્યુઇટી, ભવિષ્ય નિધિ અને અન્ય લાભોનો સ્કેલ સરકારી સ્કૂલોના કર્મચારીઓ કરતા ઓછો હોવો જોઇએ નહીં. કોર્ટે શિક્ષણ નિયામક દ્વારા જાહેર કરાયેલા એક નોટિફિકેશનનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તમામ માન્યતા પ્રાપ્ત શાળાઓને 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણોને લાગુ કરવા નિર્દેશ આપ્યા હતા.


જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મિની પુષ્કરણની ખંડપીઠે ભારપૂર્વક જણાવ્યું હતું કે બિન-અનુદાનિત ખાનગી શાળાઓ તેમની વૈધાનિક જવાબદારીથી દૂર રહી શકે નહીં અને તેઓએ શિક્ષકોને સરકારી શાળાઓ જેટલો જ પગાર અને લાભો ચૂકવવાની તેમની જવાબદારી પૂરી કરવી પડશે. કોર્ટે નોંધ્યું હતું કે તે કાયદાની એક નિર્વિવાદ સ્થિતિ છે કે બિન-સહાયિત ખાનગી શાળાઓના શિક્ષક સરકારી સ્કૂલના પોતાના સમકક્ષોની જેમ સમાન પગાર અને વળતરના હકદાર છે, જેવું કે દિલ્હી શાળા શિક્ષણ અધિનિયમ, 1973 દ્વારા અનિવાર્ય છે.


કોર્ટે સ્કૂલની અપીલ ફગાવી, આ નિર્દેશ આપ્યા


કોર્ટે નિર્દેશને પડકારતી અપીલને એમ કહેતા ફગાવી દીધી હતી કે તેમાં યોગ્યતાનો અભાવ છે. આ સિવાય કોર્ટે અપીલ કરનાર શાળાને સાતમા કેન્દ્રીય પગાર પંચની જોગવાઈઓ હેઠળ શિક્ષકોને લાભ અને પગાર આપવાનો આદેશ આપ્યો હતો. નિર્ણયમાં શિક્ષકોને 1 જાન્યુઆરી 2016 સુધીનું એરિયર્સ મેળવવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. સાતમા કેન્દ્રીય પગાર પંચનો લાભ સ્કૂલ દ્ધારા નહી અપાતા અરજીકર્તા સ્કૂલના ત્રણ શિક્ષકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.