દિલ્હી હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. અરજીમાં વડાપ્રધાને  આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યાની વાત કરવામાં આવી હતી. અરજીકર્તાએ પીએમ મોદી પર ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જાહેર સભાને સંબોધિત કરતી વખતે આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. એડવોકેટ આનંદ એસ જોંધલે દ્વારા દાખલ કરાયેલી અરજીમાં વડાપ્રધાનને છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી હતી.






જસ્ટિસ સચિન દત્તાની સિંગલ બેન્ચે કહ્યું કે અરજદારે અગાઉથી જ સ્વીકારી લીધું છે કે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું છે. હાઇકોર્ટ ચૂંટણી પંચને કોઈ પણ ફરિયાદ પર વિશેષ વલણ અપનાવવા માટે નિર્દેશ જાહેર કરી શકે નહીં. કોર્ટે કહ્યું કે અરજદાર પહેલાથી જ ચૂંટણી પંચનો સંપર્ક કરી ચૂક્યો છે અને પંચ તેની ફરિયાદ પર સ્વતંત્ર રીતે વિચાર કરી શકે છે. ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા એડવોકેટ સિદ્ધાંત કુમાર દ્વારા આપવામાં આવેલી દલીલમાં કહેવામાં આવ્યું છે કે, ફરિયાદની નોંધ લઈને કાર્યવાહી કરવામાં આવશે અને આ અંગે જરૂરી આદેશો પસાર કરવામાં આવશે.






આનંદે પોતાની અરજીમાં કહ્યું હતું કે પીએમ મોદીએ 6 એપ્રિલે ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ચૂંટણી રેલી દરમિયાન હિન્દુ દેવી-દેવતાઓ અને શીખ ગુરુઓનો ઉલ્લેખ કર્યો હતો. પીલિભીતથી ભાજપના ઉમેદવાર જિતિન પ્રસાદના સમર્થનમાં રેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, 'તેમણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણને નકારીને રામ લલાનું અપમાન કર્યું છે. તેમની પાર્ટીના જે લોકો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આવ્યા હતા તેમને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષોએ હંમેશા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને નફરત કરી છે.


તેમણે વધુમાં કહ્યું કે ઇન્ડિયા ગઠબંધને 'શક્તિ'નો નાશ કરવાનો નિર્ણય લીધો છે. રાહુલ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, 'કોંગ્રેસે તે ‘શક્તિ’નું અપમાન કર્યું છે જેની આજે સમગ્ર દેશમાં પૂજા કરવામાં આવી રહી છે. કોઇ પણ શક્તિનો પૂજારી કોગ્રેસને ક્યારેય માફ નહીં કરે.


અરજદારે હાઈકોર્ટમાં શું દલીલ કરી?


એડવોકેટ આનંદ એસ જોંધલેએ હાઈકોર્ટમાં દાખલ કરેલી તેમની અરજીમાં કહ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પિલીભીતમાં જાહેર સભા દરમિયાન તેમના ભાષણમાં કહ્યું કે તેમને રામ મંદિરનું નિર્માણ કરાવ્યું. પીએમએ એવો પણ દાવો કર્યો હતો કે તેમણે કરતારપુર સાહિબ કોરિડોરનો વિકાસ કરાવ્યો અને લંગરમાં વપરાતી સામગ્રી પરથી GST દૂર કરાવ્યો. વડાપ્રધાને પોતાના ભાષણમાં પવિત્ર ગુરુગ્રંથ સાહિબને અફઘાનિસ્તાનથી સુરક્ષિત રીતે ભારતમાં લાવવાની વાત પણ કરી હતી.


અરજદારે અદાલતને જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ પિલીભીતમાં તેમના ભાષણ દરમિયાન સ્પષ્ટપણે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું અને આ રીતે ભારતીય દંડ સંહિતાની કલમ 153A હેઠળ ગુનો કર્યો હતો. આના આધારે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ ગેરલાયક ઠરાવવાની જોગવાઈ છે.