નવી દિલ્હી:  પતિનો કોઈ વાંક ન હોય તો પણ વારંવાર સાસરી છોડીને જવું ક્રૂરતાના દાયરામાં આવે છે. ક્રૂરતાના આધારે પતિના છૂટાછેડાને મંજૂરી આપતાં હાઈકોર્ટે કહ્યું કે લગ્ન એ પરસ્પર સહયોગ, સમર્પણ અને જોડાણનો આધાર છે. વાસ્તવમાં, કપલના લગ્ન 1992માં થયા હતા અને ફેમિલી કોર્ટે પતિને છૂટાછેડા આપવાનો ઇનકાર કરી દીધો હતો. પતિનો આરોપ છે કે પત્ની હિંસક સ્વભાવની છે અને તેની સાથે ક્રૂર વર્તન કરે છે.


પતિની અપીલ સ્વીકારતા કોર્ટે કહ્યું કે મહિલાએ તેના સાસરે જવા માટે કોઈ યોગ્ય પ્રયાસો કર્યા નથી.  પતિએ મિત્રો અને સંબંધીઓ દ્વારા પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. આનાથી સ્પષ્ટ થાય છે કે મહિલા કોઈપણ કારણ વગર અપીલકર્તાથી અલગ થઈ ગઈ છે.


દિલ્હી હાઈકોર્ટે હાલમાં જ એક કેસની સુનાવણી કરતા કહ્યું છે કે, પતિની કોઈ ભૂલ વગર પત્નીનું વારંવાર ઘર છોડી દેવું એ માનસિક ક્રૂરતા છે. હાઈકોર્ટે એક વ્યક્તિની અરજી પર છૂટાછેડા આપતાં આ વાત કહી. જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બસલ કૃષ્ણાની બેન્ચે કેસની સુનાવણી કરી હતી.  હિંદુ મેરેજ એક્ટ 1966 હેઠળ ક્રૂરતા અને ત્યાગના આધારે એક પુરુષને છૂટાછેડા મંજૂર કર્યા.


વારંવાર પતિથી અલગ થવું એ ક્રૂરતા જેવું


દિલ્હીની હાઈ કોર્ટે કહ્યું કે, તે એકદમ સ્પષ્ટ છે કે પત્નીએ પતિની કોઈ ભૂલ વગર વારંવાર સાસરીનું ઘર છોડી દીધું. પત્ની તરફથી વારંવાર આવું કરવું એ માનસિક ક્રૂરતા છે જેનો પતિએ સામનો કરવો પડ્યો હતો. કોર્ટે કહ્યું કે લગ્ન ત્યારે જ વિકસી શકે છે જ્યારે તે પરસ્પર સહયોગ, સમર્પણ અને વફાદારી પર આધારિત હોય. આ રીતે વારંવાર પતિથી અલગ થવું એ ક્રૂરતા જેવું છે જે પતિ-પત્નીના સંબંધોના પાયાને ઉખેડી નાખે છે અને વિખવાદના બીજને રોપે છે. 


2017માં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી


તમને જણાવી દઈએ કે, આ કપલના લગ્ન વર્ષ 1992માં થયા હતા. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિએ 2017માં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. ફેમિલી કોર્ટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાની વાત કહેતા વર્ષ 2022માં પતિની અરજી ફગાવી દિધી હતી. પતિએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની તેના પર વિવિધ પ્રકારની ક્રૂરતા આચરતી હતી અને ઓછામાં ઓછી 6 વખત તેને છોડીને જતી રહી હતી.  


પતિનો આરોપ છે કે છેલ્લી વખત આવું વર્ષ 2011માં થયું હતું જ્યારે પત્નીએ એમ કહીને ઘર છોડી દીધું હતું કે તેનો પતિ તેના માટે મરી ગયો છે અને ત્યારબાદ તેણે પતિના હાથ પર રાખડી બાંધી હતી એ સંકેત આપવા કે તે તેના માટે હવે ભાઈ છે. પત્નીએ એ વાતને પણ નકારી ન હતી કે તેણી વારંવાર પતિનું ઘર છોડીને જતી હતી, પરંતુ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ તેના પ્રત્યે ઉદાસીન છે અને તેના સાસરિયાઓ તેનું અપમાન કરે છે. પત્નીએ એમ પણ કહ્યું કે તે દર વખતે સાસરેથી જતી હતી એટલું જ નહીં, ઘણી વખત પતિ પોતે પણ તેને તેના મામાના ઘરે છોડીને જતો હતો. પત્નીએ એમ પણ કહ્યું કે જ્યાં સુધી તે ત્યાં રહી ત્યાં સુધી તેને તેના સાસરિયાના ઘરે અનેક પ્રકારના અપમાનનો સામનો કરવો પડ્યો.