નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના છ સભ્યોની ચૂંટણી પર રોક લગાવી દીધી છે. શુક્રવારે MCDમાં હોબાળા બાદ સ્ટેન્ડિંગ કમિટીની ફરીથી ચૂંટણીનો મુદ્દો ઉઠ્યો હતો. આ મામલો ફરી કોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલે સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે સ્ટેન્ડિંગ કમિટીની નવી ચૂંટણી પર રોક લગાવી દીધી છે. આ અંગે ભાજપના કાઉન્સિલરોએ અરજી કરી હતી. દિલ્હી હાઈકોર્ટે આ મામલે LG, મેયર, MCDને પણ નોટિસ પાઠવી છે.
સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ સૂચના આપી હતી કે મેયરે બેલેટ પેપર, સીસીટીવી ફૂટેજ અને ઉપલબ્ધ અન્ય કોઈપણ માહિતી સુરક્ષિત રાખે. શુક્રવારે એમસીડી હોબાળા થયા બાદ સોમવારે બીજુ મતદાન થવાનું હતું. એમડીસીમાં હોબાળાને પગલે મેયર શૈલી ઓબેરોયે સોમવારે સવારે 11 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. આ દરમિયાન ભાજપના બે કાઉન્સિલરોએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી.
નોંધનીય છે કે બીજેપી કાઉન્સિલર શિખા રોય અને કમલજીત સેહરાવતે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી દરમિયાન મેયર શૈલી ઓબેરોય દ્વારા એક મતને અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો જેનો ભાજપે વિરોધ કર્યો હતો.
જજે AAPના વકીલને પૂછ્યો સવાલ
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન AAP નેતા સૌરભ ભારદ્વાજ અને મેયર શૈલી ઓબેરોય પણ હાજર હતા. જસ્ટિસ ગૌરાંગ કંઠની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. આપ તરફથી એડવોકેટ રાહુલ મેહરા હાજર રહ્યા હતા. કોર્ટે રાહુલ મેહરાને પૂછ્યું- નિયમોમાં શું મેયરને ફરીથી ચૂંટણીનો આદેશ આપવાની સત્તા છે? આ પ્રશ્નના જવાબમાં મેયર તરફથી કહેવામાં આવ્યું કે - રિટર્નિંગ ઓફિસર મેયર છે અને તેમનો નિર્ણય અંતિમ હોય છે.
ફરી મતદાનની માંગ ખોટી છે
બીજી તરફ ભાજપના કાઉન્સિલરો વતી વરિષ્ઠ એડવોકેટ મહેશ જેઠમલાણી હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ તેને ફરીથી મતદાન કહી રહ્યા છે. મતદાન થયું છે. સીસીટીવી ફૂટેજ પરથી જાણી શકાય છે કે મતગણતરી થઈ ચૂકી છે. જેથી આ મેયર મતગણતરી અટકાવી શકે નહીં. કેટલાક મતોની ગણતરી થઈ ગઈ છે પરંતુ હવે તેઓ ફરીથી મતદાન ઈચ્છે છે, એમ તેમણે જણાવ્યું હતું. મેયરને મતગણતરી પ્રક્રિયા સાથે અસંમત થવાનો અધિકાર નથી. હું સૂચન કરીશ કે કોર્ટ સીસીટીવી ફૂટેજ અને બેલેટ પેપર માંગે. આ સાથે સહમત થતા કોર્ટે મેયરને સીસીટીવી ફૂટેજ અને બેલેટ પેપર સાચવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો.