Delhi Airport: દિલ્હી એરપોર્ટ પર એક મુસાફર પર હુમલો કરવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે એર ઇન્ડિયા એક્સપ્રેસના પાઇલટે મુસાફર અંકિત દિવાન પર હુમલો કરીને તેને ઘાયલ કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં પીડિતે સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA), એર ઇન્ડિયા અને દિલ્હી પોલીસને ટેગ કરીને ન્યાયની માંગણી કરી હતી. આ ઘટના બાદ, એરલાઇને આરોપી પાઇલટને તપાસ સુધી સસ્પેન્ડ કરી દીધો હતો. પીડિતે સોશિયલ મીડિયા પર પોતાની દુર્ઘટના શેર કરી હતી, જેમાં તેના ચહેરા પરથી લોહી નીકળતું હતું. તેણે પાઇલટનો ફોટો પણ શેર કર્યો હતો.
દિલ્હી એરપોર્ટ પર પાયલોટે મુસાફર પર હુમલો કર્યોઅંકિત દિવાને X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "એર ઇન્ડિયા એક્સપ્રેસના કેપ્ટન વીરેન્દ્ર સેજવાલે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 (T1) પર કથિત રીતે તેના પર હુમલો કર્યો હતો, અને તેની 7 વર્ષની પુત્રી, જેણે હુમલો જોયો હતો, તે હજુ પણ આઘાતમાં છે અને ભયભીત છે."
પીડિતે જણાવ્યું હતું કે તેને અને તેના પરિવારને તે સિક્યુરિટી ચેકનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું હતું જે સ્ટાફ ઉપયોગ કરે છે કેમ કે તેમની પાસે 4 મહિનાનું બાળક સ્ટ્રોલરમાં હતું. સ્ટાફ મારી આગળ લાઈન તોડી રહ્યો હતો. જ્યારે મે તેને રોક્યો તો કેપ્ટન વીરેન્દ્ર સેજપાલ સાથે દલીલ થઈ. કેપ્ટને બૂમ પાડીને કહ્યું, "શું હું અભણ છું? શું હું તે ચિહ્નો વાંચી શકતો નથી જેમાં લખ્યું છે કે આ પ્રવેશ સ્ટાફ માટે છે?" તે પછી પાઇલટે તેના પર હુમલો કર્યો, જેના કારણે તે ઘાયલ થયો અને લોહી વહેવા લાગ્યું.
એરલાઇન્સે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાઇલટને સસ્પેન્ડ કર્યો
એર ઇન્ડિયા એક્સપ્રેસ એરલાઇન્સે પણ આ બાબતે એક નિવેદન જારી કર્યું છે. એરલાઇન્સે જણાવ્યું છે કે તે દિલ્હી એરપોર્ટ પર તેના એક કર્મચારી, જે બીજી એરલાઇનમાં મુસાફર તરીકે મુસાફરી કરી રહ્યો હતો, અને બીજા મુસાફર સાથે ઝઘડાની ઘટનાથી વાકેફ છે.
એરલાઇન્સે જણાવ્યું હતું કે, "અમે આવા વર્તનની સખત નિંદા કરીએ છીએ. તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સંબંધિત કર્મચારીને તાત્કાલિક અસરથી સત્તાવાર ફરજ પરથી દૂર કરવામાં આવ્યો છે. તપાસના તારણો પર આધારિત યોગ્ય શિસ્તબદ્ધ કાર્યવાહી કરવામાં આવશે."
પીડિતનો આરોપ છે કે તેને પત્ર લખવા માટે દબાણ કરવામાં આવ્યું છે
બીજી બાજુ, પીડિત મુસાફરનો દાવો છે કે તે એરલાઇનની કાર્યવાહીથી અજાણ છે. તેનો દાવો છે કે ઘટના પછી તેને પત્ર લખવાની ફરજ પાડવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે આ મામલાને આગળ વધારશે નહીં.
તેમણે આરોપ લગાવ્યો કે તેમના પર પત્ર લખવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે કાં તો તેઓ પત્ર લખો અથવા પોતાની ફ્લાઇટ ચૂકી જાય અને 1.2 લાખ રૂપિયાની વેકેશન બુકિંગ બરબાદ કરે. મુસાફરે દિલ્હી પોલીસને પ્રશ્ન કર્યો કે, "હું પાછા ફર્યા પછી ફરિયાદ કેમ નોંધાવી શકતો નથી? શું મારે ન્યાય મેળવવા માટે મારા પૈસાનું બલિદાન આપવું પડશે? શું હું દિલ્હી પાછો આવું ત્યાં સુધીમાં બે દિવસમાં સીસીટીવી ફૂટેજ ગાયબ થઈ જશે?"
દિલ્હી પોલીસે શું કહ્યું?
આ અંગે, દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે પીડિત કે એરલાઇન દ્વારા હજુ સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો નથી. પોલીસને આ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ બાબતની જાણ થઈ છે અને પીડિત તરફથી લેખિત ફરિયાદ મળ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.