Kanjhawala Case : દિલ્હીના ચર્ચિત કંઝાવાલા કેસમાં આખરે તંત્ર એક્શનમાં આવ્યું છે. આ કેસમાં 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પોલીસકર્મીઓ પર ફરજમાં બેદરકારીનો આરોપ છે. જે રૂટ પર આ ઘટના બની હતી ત્યાં તૈનાત પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ પોલીસકર્મીઓમાં 2 સબ ઈન્સ્પેક્ટર, 4 આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, 4 હેડ કોન્સ્ટેબલ, 1 કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે જેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.
સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાંથી 6 પીસીઆર ફરજ પર અને 5 પોલીસકર્મીઓ પિકેટ પર તૈનાત હતા. જાહેર છે કે 31મી ડિસેમ્બરે દિલ્હીના કંઝાવાલામાં એક 20 વર્ષિય યુવતીને એક કાર ચાલકોએ 12 થી 13 કિલોમીટર ઢસડી હતી જેના પગલે યુવતીનું કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટના સામે આવતા દેશભરમાં તેના ઘેરા પ્રત્યઘાત પડ્યા હતાં અને દિલ્હી પોલીસ પર પણ આંગળી ચિંધાઈ હતી.
કાંઝાવાલા કેસમાં ગૃહ મંત્રાલયે ગુરુવારે દિલ્હી પોલીસને ત્રણ પીસીઆર વાન અને બે પિકેટમાં ફરજ પરના તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપ્યો હતો. અધિકારીઓએ માહિતી આપતા કહ્યું હતું કે, ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને પીસીઆર વાન, ચેક પોસ્ટના સુપરવાઇઝરી અધિકારીઓને તેમની ફરજ બજાવવામાં નિષ્ફળતા માટે કારણ બતાવો નોટિસ આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.
તપાસ કમિટીએ રિપોર્ટ આપ્યા બાદ લેવાયા એક્શન
સ્પેશિયલ કમિશનર શાલિની સિંહની આગેવાની હેઠળની તપાસ સમિતિ દ્વારા રિપોર્ટ સોંપવામાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે રાત્રે ફરજ પરના પોલીસકર્મીઓ સામે પણ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને આ કેસમાં વહેલી તકે ચાર્જશીટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે જેથી કરીને ગુનેગારોને સજા મળી શકે. દિલ્હી પોલીસને પણ આદેશ આપવામાં આવ્યો છે કે તે એ બાબત સુનિશ્ચિત કરે કે તપાસમાં કોઈ ઢિલાશ ના રહે અને તપાસની ગતિ અંગેના પખવાડિયાના અહેવાલો ગૃહ મંત્રાલયને સુપરત કરે.
ગૃહ મંત્રાલયે કાયદો અને વ્યવસ્થામાં સુધારા અંગે જણાવ્યું
ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે પણ પગલાં લેવા જોઈએ જેથી લોકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકો ભયમુક્ત વાતાવરણમાં જીવી શકે. આ સંદર્ભે વધુ સારા સંકલન માટે પીસીઆર વાન એકમોને જિલ્લા પોલીસ સાથે જોડવા જોઈએ કે કેમ તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. પીસીઆર વાનને થોડા વર્ષો પહેલા જિલ્લા પોલીસથી અલગ કરવામાં આવી હતી. આઉટર દિલ્હીમાં જે વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ઓછા છે અથવા છે જ નહીં અને જ્યાં 'સ્ટ્રીટ લાઇટ' નથી તેવા વિસ્તારોની પોલીસ દ્વારા યોગ્ય પેટ્રોલિંગ કરવામાં આવે.
સ્કૂટીને કારે મારી હતી ટક્કર
પોલીસ આવા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા અને "સ્ટ્રીટ લાઇટ" લગાવવા માટે નાગરિક એજન્સીઓ સાથે સંકલન કરશે. નવા વર્ષના પહેલા જ દિવસે એક છોકરીની સ્કૂટીને કારે ટક્કર મારી હતી અને આરોપી કારમાં ફસાયેલી છોકરીને લગભગ 12 કિલોમીટર સુધી રસ્તા પર ઢસડતો રહ્યો હતો જેના કારણે તેનું મોત થયું હતું. આ કેસમાં કારમાં સવાર પાંચ લોકોની સાથે તેમના ઘણા સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી.