Delhi Girl Dragged Case: દિલ્હીના કાંઝાવાલાની ઘટનામાં પોલીસે આ કેસમાં 5 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ દીપક ખન્ના (26), અમિત ખન્ના (25), કૃષ્ણન (27) તરીકે થઈ છે. મિથુન (26) અને મનોજ મિત્તલ (27). હવે આ મામલે નવા ખુલાસા થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, આરોપીઓએ પોલીસ પૂછપરછમાં ઘણા રહસ્યો ખોલ્યા છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો છે. આટલું જ નહીં, આરોપીઓએ એવો પણ ઘટસ્ફોટ કર્યો છે કે, તેઓને યુવતી ફસાયેલી હોવાની જાણ હતી, તેમ છતાં પણ વાહન રોક્યું નહોતું. આરોપીઓએ પોલીસને એમ પણ જણાવ્યું હતું કે, અમિત તેના મિત્રની કાર લઈને આવ્યો હતો અને તેઓએ સાથે મળીને નવા વર્ષની પાર્ટી કરવાનું આયોજન કર્યું હતું.


ગાડીમાં સવાર તમામે ચિક્કાર દારૂ પીધો હતો


આરોપીએ પોલીસ સમક્ષ એવી પણ કબુલાત કરી છે કે, પાર્ટી માટે મુરથલ જવાનું નક્કી થયું હતું. મુરથલમાં ઘણી ભીડ હોવાથી જમવાનું ઉપલબ્ધ નહોતું. ત્યાર બાદ અમે પાંચેય પાછા ફર્યા. મુરથલ જતી વખતે અને આવતા સમયે ખુબ દારૂ પીધો. કારમાં રહેલા દરેક વ્યક્તિએ ચિકાર દારૂ પીધો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાંચેય આરોપી મળીને લગભગ અઢીથી ત્રણ બોટલ દારૂ પી ગયા હતાં. પરત ફરતી વખતે પીરાગઢી પાસે રાત્રિભોજન કર્યું. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર બધા મનોજ મિત્તલને તેના ઘરે મુકવા જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી સ્કૂટી સાથે અથડામણ થઈ ગઈ હતી.


યુવતી ફસાઈ હોવાની જાણ થઈ ગઈ હતી


આ અકસ્માત રાત્રે અઢી વાગ્યાની વચ્ચે બન્યો હતો. આરોપીએ કહ્યું હતું કે, અકસ્માત બાદ સ્કૂટી વાહનની આગળ આવી ગઈ હતી. કારને રિવર્સ મારીને તેને બહાર કાઢવામાં આવી હતી. તે દરમિયાન જ યુવતી વાહનમાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન વાહનના ડ્રાઈવરને લાગ્યું કે, કંઈક ફસાઈ ગયું હતું. પણ બાકીના લોકોએ કહ્યું કંઈ નથી થયું. ગાડીમાં સવાર અન્ય લોકોની વાત માનીને તે ગાડી ચલાવતો રહ્યો. જ્યારે કારે યુ-ટર્ન લીધો ત્યારે મિથુન ડાબી બાજુ બેઠો હતો તેણે છોકરીનો હાથ જોયો, ત્યાર બાદ કાર ઉભી રાખવામાં આવી અને છોકરી કારમાંથી નિકળીને નીચે પડી ગઈ હતી. ત્યાર બાદ અમે સૌ પણ નીચે ઉતર્યા હતાં. છોકરીને જોઈ અને ત્યાંથી ભાગી ગયા.


આરોપીના નિવેદનની તપાસ કરવામાં આવશે


તેણે અકસ્માત અંગે વાહન માલિકને પણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે,  તેણે જેની પાસેથી ગાડી લીધી હતી તેને તે પરત કરી દીધી. અમે ગાડીના માલિકને અકસ્માત થયો હોવાનું પણ જણાવી દીધું હતું પરંતુ અકસ્માત કેટલો મોટો હતો તે અંગે કંઈ જ કહ્યું નહીં અને જાણકારી છુપાવી હતી. પોલીસ હવે આરોપીના નિવેદનની તપાસ અને ખરાઈ કરશે. બીજી તરફ સુલતાનપુર પોલીસ સ્ટેશને પોલીસને માહિતી આપનાર પ્રત્યક્ષદર્શીને પણ બોલાવ્યા છે અને તેની પાસેથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શી વિકાસ Zomatoમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે.