Manish Sisodia Remand: દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલ AAP નેતા મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂરા થતાં તેમને કોર્ટમાં રજૂ કર્યા હતાં. જ્યાં તેમના રિમાન્ડ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આંચકો આપતા સિસોદિયાના વધુ 5 દિવસ રિમાંડ મંજુર કરાયા હતાં.



આ દરમિયાન EDએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ સિસોદિયાના રિમાન્ડ વધારવાની માંગ કરી હતી. કોર્ટે વધુ 5 દિવસના રિમાન્ડ લંબાવ્યા છે. હવે તે 22 માર્ચ સુધી રિમાન્ડમાં રહેશે. જો કે, આ કેસ સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ તથ્યોને ધ્યાનમાં રાખીને EDએ તેના વધુ 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

'ફરિયાદ આવતાં જ મોબાઈલ બદલાઈ ગયો'

EDએ કોર્ટને કહ્યું હતું કે, આલોક શ્રીવાસ્તવે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી છે, જેની તપાસ થવાની હજી બાકી છે. તેના આધારે સી અરવિંદની પૂછપરછ કરવાની છે. બાદમાં સી અરવિંદ, સંજય ગોયલ અને ગોપી ક્રિષ્ના સામસામે બેસાડીને પુછપરછ હાથ ધરવામાં આવશે.

EDએ કહ્યું હતું કે, મનીષ સિસોદિયાએ જ 22 જુલાઈએ કેસની ફરિયાદ કર્યા બાદ મોબાઈલ બદલ્યો હતો. પૂછપરછ દરમિયાન સિસોદિયા એ કહી શક્યા નહોતા કે, તે ફોનનું શું કરવામાં આવ્યું હતું. માટે આપણે ઈલેક્ટ્રોનિક ડેટા વિશે પણ પૂછપરછ કરવી પડશે. EDએ દાવો કર્યો હતો કે, સિસોદિયાના કમ્પ્યુટરમાંથી મળેલા માર્ચ 2019ના દસ્તાવેજમાં 5 ટકા કમિશન હતું, જે સપ્ટેમ્બર 2022માં વધારીને 12 ટકા કરવામાં આવ્યું હતું. આ સાઉથ લોબીના કહેવા પર કરવામાં આવ્યું હતું.

સિસોદિયાના વકીલે કર્યો વિરોધ

જામીનનો વિરોધ કરતાં સિસોદિયાના વકીલે કહ્યું હતું કે, જે ઇડી કહી રહી છે તે જ બાબત સીબીઆઇએ પણ કોર્ટમાં તે જ કહ્યું છે. આમાં કંઈ જ નવું નથી. વકીલે કહ્યું હતું કે, 7 દિવસમાં માત્ર 12 થી 13 કલાકની જ પૂછપરછ થઈ છે. તેના પર EDએ કહ્યું હતું કે, દરરોજ 5 થી 6 કલાકની પૂછપરછ કરવામાં આવી છે. અમારી પાસે સીસીટીવી છે. ગુરુવારે પણ 6 કલાક સુધી પૂછપરછ થઈ હતી.

EDએ સિસોદિયાની ધરપકડ કરી હતી

દિલ્હીના પૂર્વ સીએમ મનીષ સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ એક્સાઇઝ પોલિસી બદલવાના કથિત કૌભાંડના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. મનિષ સિસોદિયાની 9 માર્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે તિહાર જેલમાં બંધ હતાં. દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં કથિત અનિયમિતતાઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ઈડીએ તિહાર જેલમાં સિસોદિયાની પણ પૂછપરછ કરી હતી. ધરપકડ બાદ ઈડીએ મનીષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કર્યા હતાં. જ્યાં કોર્ટે તેમને ઈડીના રિમાન્ડ પર મોકલી આવ્યા હતાં.