Delhi Liquor Policy Case: દિલ્હી હાઇકોર્ટે ગુરુવારે (4 એપ્રિલ, 2024) દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી બીજી અરજીને ફગાવી દીધી હતી.






કોર્ટે કહ્યું હતું કે આ અંગે પગલાં લેવાનો અધિકાર એલજી અને રાષ્ટ્રપતિના અધિકારક્ષેત્રમાં છે. આવી સ્થિતિમાં આવો આદેશ આપી શકીએ નહીં. જો કે, કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, "ક્યારેક વ્યક્તિગત હિત કરતાં રાષ્ટ્ર હિત મોટું હોય છે, પરંતુ આ નિર્ણય તેમનો (કેજરીવાલ) છે."


આ પહેલા પણ હાઈકોર્ટે કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની માંગ કરતી પીઆઈએલને ફગાવી દીધી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે આ એક્ઝિક્યુટિવ સાથે સંબંધિત મામલો છે. કેજરીવાલને સીએમ પદેથી હટાવવા માટેની આ પીઆઈએલ સુરજીત સિંહ યાદવ નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી.


હકીકતમાં, કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. ED દ્વારા 21 માર્ચે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલાને લઈને EDએ આરોપ લગાવ્યો છે કે દિલ્હી લિકર પોલિસીના અમલીકરણ અને તૈયાર કરવામાં અનિયમિતતાઓ હતી.


EDએ કયા આરોપો લગાવ્યા છે?



EDએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીની દારૂની નીતિમાં થયેલી ગેરરીતિઓના મુખ્ય કાવતરાખોર છે. આમાં આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ અને મંત્રીઓ પણ સામેલ થયા છે. પૂર્વ ડેપ્યુટી સીએમ અને AAP નેતા મનીષ સિસોદિયા એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે.


આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ સંજય સિંહને બુધવારે (3 એપ્રિલ) ના રોજ તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે હાથ ઉંચા કરીને કાર્યકરોનું અભિવાદન કર્યું હતું. આ પહેલા મંગળવારે (2 એપ્રિલ) સુપ્રીમ કોર્ટે તેમને દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં જામીન આપ્યા હતા. સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ, સંજય સિંહને તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.