Delhi Liquor Policy Case: દિલ્હીના એક્સાઇઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. કેજરીવાલના વચગાળાના જામીન 7 દિવસ સુધી વધારવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે નહીં.






સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ આ અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે 17 મેના રોજ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. તે દિવસે સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન માટે નીચલી કોર્ટમાં જવાની પરવાનગી આપી હતી. તેથી અરજીની સુનાવણી થઈ શકે તેમ નથી.


કેજરીવાલ 1 જૂન સુધી વચગાળાના જામીન પર


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલે EDની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જોકે, કોર્ટે કેજરીવાલને ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા.


કેજરીવાલે વચગાળાના જામીન વધારવાની માંગ કરી હતી


સોમવારે દિલ્હીના સીએમ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મેડિકલ ટેસ્ટ માટે વચગાળાના જામીન 7 દિવસ વધારવાની માંગ કરી હતી. કેજરીવાલે પોતાની અરજીમાં કહ્યું હતું કે તેમની ધરપકડ બાદ તેમનું 7 કિલો વજન ઘટી ગયું છે. એટલું જ નહીં તેમનું કીટોન લેવલ પણ વધી ગયું છે. આવી સ્થિતિમાં આ લક્ષણો કોઈ ગંભીર બીમારીના હોઈ શકે છે. મેક્સના ડોક્ટરોએ તેની તપાસ કરી છે. હવે PET-CT સ્કેન અને ઘણા ટેસ્ટ કરાવવાની જરૂર છે. આવી સ્થિતિમાં તેમને આ તપાસ માટે 7 દિવસનો સમય આપવો જોઈએ.


મંગળવારે કેજરીવાલે આ અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. જો કે, વેકેશન બેન્ચે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. બેન્ચે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સંઘવીને કહ્યું કે તેઓ સુનાવણી માટે ચીફ જસ્ટિસને વિનંતી કરે.


કોર્ટે સવાલો ઉઠાવ્યા હતા


કોર્ટે કેજરીવાલ દ્વારા મોડી અરજી દાખલ કરવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ એએસ ઓકની બેન્ચે કહ્યું કે, મુખ્ય મામલામાં આદેશ 17 મેના રોજ અનામત રાખવામાં આવ્યો હતો. તે બેંચના સભ્ય જજ ગયા અઠવાડિયે વેકેશન બેન્ચમાં હતા. ત્યારે તમે આ માંગણી કેમ ન કરી?