દિલ્હી દારૂ નીતિ કૌભાંડ (Delhi Excise Policy Case)  સંબંધિત ED અને CBI કેસમાં સુપ્રીમ કોર્ટમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતાની મંગળવારે જામીન અરજી પર સુનાવણી થઈ હતી. દરમિયાન સુપ્રીમ કોર્ટે (Supreme Court)  એક્સાઇઝ પોલિસી કેસમાં બીઆરએસ નેતા કે. કવિતાને મોટી રાહત આપતાં તેમને જામીન આપ્યા હતા.


ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના તે આદેશને ફગાવી દીધો હતો જેમાં કે. કવિતાની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. આ સાથે સુપ્રીમ કોર્ટે બંને કેસમાં 10-10 લાખ રૂપિયાના જામીન બોન્ડ ચૂકવવા, પુરાવાઓ સાથે છેડછાડ ન કરવા અને સાક્ષીઓને પ્રભાવિત ન કરવા નિર્દેશ આપ્યા હતા.






કે. કવિતાને આ શરતો પર જામીન મળ્યા


સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને રદ્દ કરતા કે.કવિતાને જામીન આપ્યા હતા. જો કે, કોર્ટે તેમને કેટલીક શરતો પર જામીન આપ્યા છે જેનું પાલન કરવું પડશે. કોર્ટે તેમને પુરાવાર સાથે છેડછાડ નહી કરવાનો આદેશ આપ્યો હતો. સાથે કોર્ટે તેમને સાક્ષીઓ પર પ્રભાવ ન પાડવા માટે પણ કહ્યું છે. બંને કેસમાં 10-10 લાખના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. પાસપોર્ટ નીચલી કોર્ટમાં જમા કરાવવાનો રહેશે.






EDએ 15 માર્ચે ધરપકડ કરી હતી


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 46 વર્ષીય કે. કવિતાને આ વર્ષે 15 માર્ચે હૈદરાબાદના બંજારા હિલ્સ સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. લગભગ એક મહિના પછી સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ ન્યાયિક કસ્ટડીમાં દિલ્હીની તિહાર જેલમાં હતા.


હાઇકોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી


અગાઉ જૂલાઈમાં દિલ્હી હાઈકોર્ટે કે. કવિતાની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. તેની પાછળ કોર્ટનો તર્ક એવો હતો કે તે પ્રથમ નજરે મુખ્ય આરોપી છે અને જામીન માટે કોઈ આધાર હોઈ શકે નહીં કારણ કે તપાસ "નિર્ણાયક તબક્કે" હતી. કોર્ટે મહિલા હોવાના આધાર પર અરજી પણ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે. કવિતા એક શિક્ષિત વ્યક્તિ અને ભૂતપૂર્વ સાંસદ છે, તેથી તેઓને 'કમજોર' ગણી શકાય નહીં.


સિસોદિયાને 17 મહિના પછી જામીન મળ્યા


નોંધનીય છે કે આ જ કેસમાં 9 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે આપ નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને જામીન આપ્યા હતા. આ પહેલા તે લગભગ 17 મહિના સુધી ન્યાયિક કસ્ટડીમાં જેલમાં રહ્યા હતા. CBIએ ગયા વર્ષે 26 ફેબ્રુઆરીએ ભ્રષ્ટાચારના આરોપમાં તેમની ધરપકડ કરી હતી. આ પછી સીબીઆઈએ તે જ વર્ષે 9 માર્ચે પીએમએલએ હેઠળ તેમની ધરપકડ કરી હતી.