નવી દિલ્હીઃ દેશભરમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં ખેડૂતો તીડના ટોળાથી પરેશાન છે. રાજધાની દિલ્હીમાં તીડના સંભવિત હુમલાને જોતા દિલ્હીના શ્રમ અને વિકાસ મંત્રી ગોપાલ રાયે ઈમરજન્સી બેઠક બોલાવી છે. જેમાં વિકાસ સચિવ, ડિવિઝનલ કમિશ્નર, કૃષિ નિર્દેશક અને જિલ્લા મેજિસ્ટ્રેટ હાજર છે. બેઠક બાદ સરકાર એડવાઇઝરી જાહેર કરશે.


જાણકારી પ્રમાણે, તીડનું ઝૂંડ પલવલ તરફ આગળ વધી રહ્યું છે પરંતુ તેમાંથી એક નાની ટુકડી જસોલા અને દિલ્હીના બોર્ડર વિસ્તાર તરફ ફંટાઈ છે. જેને જોતાં આ વિસ્તારમાં ઢોલ, ડ્રમ અને ડીજે વગાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત કેમિકલના છંટકાવની સૂચના પણ અપાઈ છે.


દિલ્હીના સાઉથ, વેસ્ટ અને સાઉથ વેસ્ટ જિલ્લાના ડીએમને હાઇએલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે અને તેમને તૈયારીઓ શરૂ કરી દેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. સરકાર આ મામલે એડવાઇઝરી પણ જાહેર કરશે. જો હવાની દિશા બદલાય તો દિલ્હી તરફ તીડ આવી શકે છે, તેથી દરેક બાબત મોનિટર કરવામાં આવી રહી છે.

ગુરુગ્રામ-દ્વારકા એક્સપ્રેસ વે પર આજે તીડના ઝૂંડ જોવા મળ્યા હતા. હરિયાણાના જાજરમાં તીડને ભગાડવા માટે સ્થાનિકોએ ઢોલ વગાડ્યો હતો.