Alipur Fire News: દિલ્હીના અલીપુરમાં એક ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં સાત લોકોના કરૂણ મોત થયા છે. ફાયર બ્રિગેડ વિભાગે સાત મૃત્યુની પુષ્ટિ કરી હતી. 22 ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. રાત્રે 9 વાગ્યાની આસપાસ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ ઘટના ગુરુવારે (15 ફેબ્રુઆરી) સાંજે 5.30 વાગ્યે બની હતી. ઓછામાં ઓછા છ ફાયર એન્જિનો શરૂઆતમાં તૈનાત કરવામાં આવ્યા હતા પરંતુ આગ ટૂંક સમયમાં સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. બાદમાં વધુ ફાયર એન્જિન બોલાવવામાં આવ્યા હતા. અલીપુરમાં એક સપ્તાહમાં આગની આ બીજી ઘટના છે. 11 ફેબ્રુઆરીના રોજ અલીપુરમાં જૂતાની ફેક્ટરીમાં આગ લાગી હતી.
22 ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા
દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે દયાલ માર્કેટની ફેક્ટરીમાં આગ લાગવા અંગે સાંજે 5:26 કલાકે કોલ આવ્યો હતો. ગર્ગે કહ્યું કે, ઓછામાં ઓછા 22 ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા, જે આગ પર કાબૂ મેળવવામાં સફળ રહ્યા હતા. આગની આ ઘટના ભોરગઢ વિસ્તારમાં બની છે. આ અકસ્માત દયાલ માર્કેટના મકાન નંબર 692માં થયો હતો. આગની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. દિલ્હીમાં અવારનવાર બની રહેલી આગની ઘટનાને પગલે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી આગની ઘટનાઓ
- 10 ફેબ્રુઆરીના રોજ ગાંધી નગરના ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ લાગી હતી.
- 11 ફેબ્રુઆરીના રોજ અલીપુરની જૂતાની ફેક્ટરીમાં આગ લાગી હતી.
- 29 જાન્યુઆરીની મોડી રાત્રે વજીરાબાદમાં પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, લગભગ 200 ફોર-વ્હીલર અને 250 ટુ-વ્હીલર નાશ પામ્યા હતા.
- 27 જાન્યુઆરીએ શાહદરા વિસ્તારમાં આગમાં ચાર લોકોના મોત થયા હતા.
- 20 જાન્યુઆરીએ દિલ્હીના પીતમપુરા વિસ્તારમાં એક ઘરમાં લાગેલી આગમાં ચાર મહિલાઓ સહિત છ લોકોના મોત થયા હતા.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial