Delhi News: ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીને કારણ બતાવો નોટિસ ફટકારી છે. આ નોટિસ સોશિયલ મીડિયા પર પીએમ મોદી વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી માટે જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચે પાર્ટીને 16 નવેમ્બર સુધીમાં આદર્શ આચાર સંહિતા ભંગના આરોપનો જવાબ આપવા કહ્યું છે. આ નોટિસ આમ આદમી પાર્ટીની નેશનલ કન્વિનરને આપવામાં આવી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ AAPના રાષ્ટ્રીય કન્વીનર છે. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે.
ચૂંટણી પંચે તેની કારણ બતાવો નોટિસમાં કહ્યું છે કે જો નિર્ધારિત સમયની અંદર કોઈ જવાબ નહીં મળે તો માની લેવામાં આવશે કે આ મામલે તમારી પાસે કહેવા માટે કંઈ નથી. ચૂંટણી પંચ આ મામલે યોગ્ય કાર્યવાહી કે નિર્ણય લેશે.
ભાજપે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો
10 નવેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને અરજી કરી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અસ્વીકાર્ય અને અનૈતિક વિડિયો ક્લિપ્સ પોસ્ટ કરવા બદલ AAP વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. ગયા બુધવારે આમ આદમી પાર્ટીએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને વડાપ્રધાન મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. બીજા દિવસે પાર્ટીએ અદાણી અને મોદીની તસવીર શેર કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન લોકો માટે નહીં પરંતુ ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે.
આ પછી ભાજપના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, રાજ્યસભા સાંસદ અનિલ બલુની અને બીજેપી નેતા ઓમ પાઠક સામેલ હતા. હરદીપ સિંહ પુરીએ ચૂંટણી પંચ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યા બાદ કહ્યું હતું કે, તેના સત્તાવાર હેન્ડલ પરથી AAPએ એક વીડિયો અને બે ટ્વીટ્સ પોસ્ટ કર્યા છે જેમાં તેમણે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારના વડા અંગે અસ્વીકાર્ય, નિંદનીય અને અનૈતિક બાબતો કહેવામાં આવી છે.
બીજી તરફ ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને કારણ બતાવો નોટિસ મોકલી છે. આ મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદન આપવા સાથે જોડાયેલો છે. પ્રિયંકાએ હાલમાં જ એક રેલી દરમિયાન નિવેદન આપ્યું હતું.