Delhi News: દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ રાજ્યમાં ફરજિયાત માસ્ક પહેરવાની મુદત 30 સપ્ટેમ્બર પછી લંબાવવાનો નિર્ણય લીધો નથી. આ સાથે જ, દિલ્હી આરોગ્ય અને પરિવાર કલ્યાણએ કહ્યું કે, DDMAએ પણ નિર્ણય લીધો છે કે, 30 સપ્ટેમ્બર પછી માસ્ક નહીં પહેરવા પર 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે નહીં.


દિલ્હી સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે માહિતી આપી કે, 'DDMA એ નિર્ણય લીધો છે કે 30 સપ્ટેમ્બર પછી જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા માટે મહામારીના કાયદા હેઠળ માસ્કની જરૂરિયાત 30 સપ્ટેમ્બરથી આગળ વધારી શકાશે નહીં. માસ્ક ના પહેરવા બદલ લેવાતો રૂ. 500નો દંડ પણ નાબૂદ કરવામાં આવશે. જેથી હવે લોકો જાહેર જગ્યાઓ પર માસ્ક વગર જોવા મળશે તો પણ દંડ લેવામાં નહી આવે.


એપ્રિલમાં ફરીથી દંડ લેવાનું શરુ કરાયું હતુંઃ


રાજ્યમાં કોરોનાના કેસોમાં મોટા પ્રમાણમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને DDMAએ આ નિર્ણય લીધો છે. તાજેતરમાં, DDMA એ કોરોનાને લઈને સમીક્ષા બેઠક યોજી હતી, માસ્ક ન પહેરવા બદલ દંડ લાદવાની જોગવાઈ પણ બેઠકમાં પાછી ખેંચી લેવામાં આવી હતી.


તમને જણાવી દઈએ કે, કોરોનાના વધતા જતા કેસોને જોતાં રાજ્ય સરકારે આ વર્ષે એપ્રિલમાં ફરીથી જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાના દંડની જોગવાઈ કરી હતી. પરંતુ ગયા મહિને મળેલી બેઠકમાં DDMA એ નિર્ણય લીધો હતો કે 30 સપ્ટેમ્બર પછી ફરજીયાત માસ્ક પહેરવાની કોઈ જરુર નથી. હાલ દિલ્હીમાં કોરોના વાયરસના કેસનો ખતરો નથી. કોરોના પ્રતિરોધક રસીના ડોઝ મોટી સંખ્યામાં લોકોએ લીધા છે જેથી કોરોના સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ પણ ઘટ્યું છે.


AIIMSના પૂર્વ નિર્દેશકે સાવચેત રહેવાની અપીલ કરી


બીજી તરફ, ભારતમાં અત્યંત ચેપી કોવિડ વેરિઅન્ટ મળી આવવાના અહેવાલો વચ્ચે, દિલ્હી AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ સામાન્ય લોકોને કોરોનાના નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હું તમામ લોકોને સૂચન કરીશ કે જો તેઓ ઘરની બહાર જતા હોય અથવા ભીડભાડવાળી જગ્યાઓ પર જતા હોય તો તેઓએ માસ્ક પહેરવું જોઈએ અને વૃદ્ધોને બહાર જતા અટકાવવા જોઈએ કારણ કે તેમનામાં સંક્રમણ વધુ ઝડપથી ફેલાઈ શકે છે.