નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે રામલીલા મેદાનમાં એક રેલી કરીને ભાજપના પ્રચારનો શુભારંભ કરશે. દેશભરમાં નાગરિકતા કાનૂન સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે પ્રધાનમંત્રી મોદીની આ રેલી પર સૌની નજર છે. પીએમ દિલ્હીથી આ મુદ્દા પર શું સંદેશ આપશે તેના પર તમામની નજર ટકેલી છે.


ચાલુ મહિનાની શરૂઆતમાં સંસદે દિલ્હીની બિનસત્તાવાર કોલોનીઓને કાયદેસરનો હક આપવાનું એક બિલ પાસ કર્યું હતું. દિલ્હીમાં બે દાયકાથી વધારે સમય બાદ સત્તામાં વાપસીની રાહ જોઈ રહેલી બીજેપી આમ આદમી પાર્ટીને આગામી ચૂંટણીમાં પડકાર આપવાની તૈયારી કરી રહી છે. તમામ 1,731 ગેરકાયદેસર કોલોનીના લોકો ધન્યવાદ રેલીમાં સામેલ થશે.


દિલ્હીમાં આગામી ફબ્રુઆરી મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં જીત નક્કી કરવા આમ આદમી પાર્ટીએ ફ્રી વીજળી, મફત પાણી જેવી યોજનાઓની જાહેરાત કરી છે. જ્યારે કેન્દ્ર સરકારે પણ દિલ્હીમાં ગેરકાયદેસર કોલોનીઓને કાયદેસરક કરવાનો ફેંસલો કેબિનેટ દ્વારા કર્યો હતો.

રામલીલા મેદાનમાં આયોજિત રેલીના કારણે આજે મધ્ય દિલ્હીમાં ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રભાવિત થશે. એક એડવાઇઝરીમાં દિલ્હી પોલીસે કહ્યું છે કે કારનું પાર્કિંગ સિવિક સેન્ટરની અંદર અને તેની પાછળ થશે. જેમાં કહેવાયું છે કે માતા સુંદરી રોડ, પાવર હાઉસ રોડ, રાજઘાટ પાર્કિંગ, શાંતિ વન પાર્કિંગ, રાજઘાટ તથા સમતા સ્થળ પાસે બસોનું પાર્કિંગ હશે.