Delhi Police: રાજધાની દિલ્હી જાણે ગુનાખોરીની પણ રાજધાની બનતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. રાજધાનીમાં લુંટારાઓ અને ધાડપાડુઓ દ્વારા આચરવામાં આવતા ગુનાઓ તો ઠીક છે પરંતુ હવે તો ખાખી વર્ધી કે જેના માથે કાયદો અને વ્યવસ્થા જાળવવાની અને લોકોની સુરક્ષા કરવાની જવબાદારી છે તેણે જ ગંભીર ઉઠાંતરી કરતા પોલીસ પર જ ગંભીર સવાલ ઉભા થયા છે. 


ગત 20 ડિસેમ્બરના રોજ દિલ્હી પોલીસના બે કર્મચારીઓએ તપાસના નામે IGI એરપોર્ટ પર અનુક્રમે મસ્કત અને કતારથી આવતા બે મુસાફરો પાસેથી 50 લાખ રૂપિયાની કિંમતનું લગભગ 1 કિલો સોનું લીધું હતું. દિલ્હી પોલીસે આ મામલે જણાવ્યું હતું કે, આ પ્રકારે એરપોર્ટ પર સોનાની લુંટ ચલાવનારા બંને પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી છે અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે તેમની સામે ખાતાકિત તપાસ શરૂ કરી દેવામાં આવી છે.


પોલીસકર્મીઓએ તપાસના નામે સોનાની લૂંટ ચલાવી


હકીકતમાં, 20 ડિસેમ્બરે, મસ્કત અને કતારથી કેટલાક મુસાફરો દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા હતા. આ તમામ શ્રમિક વર્ગના લોકો હતા અને કથિત રીતે તેઓ ત્યાંથી મોટી માત્રામાં સોનું લઈને આવ્યા હતા. દિલ્હી પોલીસના આ બંને કોન્સ્ટેબલ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા. બંને દિલ્હી એરપોર્ટના IGI પોલીસ સ્ટેશનના સ્પેશિયલ ઓપરેશન સ્ક્વોડમાં તૈનાત હતા. બંને હેડ કોન્સ્ટેબલ ફરજ પર હતા અને મજૂરોની તપાસ કરતા તેઓને સોનું મળી આવ્યું હતું. પૂછપરછમાં તેઓએ તેમના માલિકનું સોનું ચોર્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે તપાસના નામે મજૂરો પાસેથી તમામ સોનું છીનવી લીધું હતું. 50 લાખની કિંમતનું સોનું લૂંટી લીધાના ઘટસ્ફોટ બાદ દિલ્હી પોલીસના અધિકારીઓ એક્શનમાં આવી ગયા અને બંનેની ધરપકડના આદેશ આપ્યા હતાં.


કામદારોએ ફરિયાદ કરતા પોલીસ એક્શન મોડમાં


મજૂરોએ પોલીસકર્મીઓ દ્વારા સોનું છીનવી લેવાની ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ જ્યારે આ વાતની જાણ દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી તો તેઓએ તુરંત તપાસના આદેશ આપ્યા હતાં. જ્યારે સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવ્યા હતાં. આ સાથે જ બંને પોલીસકર્મીઓનો ભેદ ખુલી ગયો હતો.


લાખો રૂપિયાના સોનાની લૂંટની તપાસમાં દોષિત ઠરેલા બંને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ બંને પોલીસકર્મીઓની પૂછપરછ કરી રહ્યા છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે તેમણે આખરે આવું કેમ કર્યું? આ અગાઉ પણ આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ? આ સોનું દાણચોરીનું હોવાની પોલીસને શંકા છે અને આ અંગે તપાસ ચાલી રહી છે.