દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલના ડીસીપી સંજીવ કુમાર યાદવે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ડીસીપીએ કહ્યું કે, રાજીવ શર્મા ચીની અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં સંરક્ષણ મામલા પર લેખ લખતા હતા અને વર્ષ 2016માં ચીની એજન્ટના સંપર્કમાં આવ્યા હતા. તે કેટલાક ચીની જાસૂસી અધિકારીઓના પણ સંપર્કમાં હતા.
ડીસીપીએ કહ્યું હતું કે, પત્રકાર રાજીવ શર્મા 2016થી 2018 સુધી ચીની જાસૂસી અધિકારીઓને સંવેદનશીલ રક્ષા અને રણનીતિક જાણકારી આપવામાં સામેલ હતા. આ માટે તે વિવિધ દેશોમાં અનેક સ્થળો પર ચીની જાસૂસી અધિકારીઓને મળતા હતા. આ બેઠકમાં ભારત-ચીન સરહદ, સરહદ પર સૈન્યની તૈનાતી અને સરકાર દ્ધારા તૈયાર રણનીતિ વગેરે જાણકારી આપતા હતા.
સ્પેશ્યલ સેલે ફિલાન્સ પત્રકાર રાજીવ શર્માની કેન્દ્રિય જાસૂસી એજન્સીની સૂચનાના આધાર પર 24 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી સંરક્ષણ મંત્રાલયના ગુપ્ત દસ્તાવેજો મળ્યા હતા. પોલીસે પત્રકારની પૂછપરછ બાદ એક ચીની મહિલા અને તેના નેપાળી સાથીની ધરપકડ કરી હતી. જેમના પર શેલ કંપનીઓના માધ્યમથી પત્રકાર રાજીવ શર્માને રૂપિયા આપવાનો આરોપ છે.