નવી દિલ્હીઃ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1490 કેસ નોંધાયા છે અને બે લોકોએ જીવ ગુમાવ્યો છે. ગઈકાલે રાજધાનીમાં કોરોનાના 1367 કેસ નોંધાયા હતા. હાલમાં રાજધાનીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5250 પર પહોંચી ગઈ છે.






દિલ્હીમાં કોરોનાના વધતા કેસના કારણે કોરોનાની નવી ચોથી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ નિષ્ણાતોના મતે કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતાને ટાળી રહ્યા છે. તેમના મતે કેસ ચોક્કસપણે વધ્યા છે, પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ હજી ઓછું છે. દિલ્હી સરકાર પણ કહી રહી છે કે ગભરાવાની જરૂર નથી.


જો કે, થોડા દિવસો પહેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હીની R વેલ્યુ દેશ કરતા વધારે છે. આર વેલ્યુનો અર્થ એ છે કે ચેપગ્રસ્ત વ્યક્તિ કેટલા લોકોને સંક્રમિત કરે છે. IIT મદ્રાસ દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું છે કે હાલમાં દિલ્હીની R વેલ્યુ 2.1 છે. દેશની આર વેલ્યુ 1.3 પર છે. આવી સ્થિતિમાં દિલ્હીની સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે.


IIT મદ્રાસના ગણિત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. જયંત ઝાએ દિલ્હીમાં વધી રહેલા કેસ પર કહ્યું છે કે અત્યારે માત્ર એટલું જ કહી શકાય કે એક સંક્રમિત વ્યક્તિ અન્ય બે લોકોને પણ ચેપ લગાવી રહ્યો છે. અત્યારે આપણે દિલ્હીના લોકોની રોગપ્રતિકારક શક્તિની સ્થિતિ વિશે પણ નથી જાણતા. જેમને ચેપ લાગી રહ્યો છે તેઓને ભૂતકાળમાં કોરોના થયો છે કે નહી તે પણ હજી સ્પષ્ટ નથી. જો કે, દિલ્હી સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. હવે રોજના 30 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.


સરકારના એક્શન પ્લાન મુજબ હોસ્પિટલોમાં 65 હજાર વધારાના બેડ વધારવા પર ફોકસ છે. સરકારી હોસ્પિટલોમાં બૂસ્ટર ડોઝ પહેલાથી જ મફત આપવામાં આવ્યા છે. તાજેતરમાં જ પીએમ મોદીએ કોરોનાને લઈને તમામ મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. તે બેઠકમાં તેમણે કહ્યું હતું કે હવે 12 વર્ષથી નીચેના બાળકોના રસીકરણ પર ભાર મૂકવો પડશે.