દેશના ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ સાથેની મીટિંગ અને પછી કોંગ્રેસમાં ના જોડાવા અંગે મહત્વના ખુલાસા કર્યા છે. હવે પ્રશાંત કિશોરે જણાવ્યું કે, આખરે કોંગ્રેસ તરફથી તેમને શું કહેવામાં આવ્યું અને તેમણે કોંગ્રેસને કેવા સલાહ-સુચન આપ્યા હતા. પ્રશાંત કિશોરે જણાવ્યું છે કે, "મારે જે કોંગ્રેસને કહેવું હતું તે મેં કહી દીધું છે. એ તેમની ઈચ્છા છે કે મારી વાત સાંભળે કે ના સાંભળે. એવી જ રીતે કોંગ્રેસમાં જોડાવવું કે ના જોડાવવું એ મારા ઉપર નિર્ભર કરે છે."
...મેં કહ્યું કે હું નહી જોડાઉંઃ
પ્રશાંત કિશોરે વધુમાં જણાવ્યું કે, "કોંગ્રેસ પાર્ટીએ 2014 પછી આટલા મોટા સ્તર ઉપર નવી શક્યતાઓ અને પાર્ટીના માળખાને લઈને ચર્ચા કરી છે. તેમની ટોપ લીડરશિપ પણ તેમાં હાજર રહી છે. આ બેઠકોમાં ઘણી વાતો પર સહમતિ મળી છે. હવે આગળ શું કરવું જોઈએ તેના ઉપર પણ સહમતિ બની છે. આ બધુ કરવાની રીત માટે કોઈ પ્રશાંત કિશોરની જરુર નથી. પાર્ટીના નેતાઓ ખુદ કરી શકે છે." આજતકને આપેલા ઈંટરવ્યુમાં પ્રશાંત કિશોરે કહ્યું કે, "બેઠકમાં વાતચીત દરમિયાન પાર્ટીના નેતાને લઈને કોઈ ચર્ચા નથી થઈ. જ્યારે મને કોંગ્રેસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું ત્યારે મેં કહ્યું કે હું નહી જોડાઉં"
G-23 નેતાઓમાં ઘણી સમાનતાઓઃ
પીકે આગળ કહે છે કે, "તેઓ (કોંગ્રેસ પાર્ટી) મારી વાતોને કઈ રીતે લે છે તે તેમના ઉપર નિર્ભર કરે છે. કોંગ્રેસમાં એટલા મોટા નેતાઓ છે કે તેઓ ખુદ બધુ કરી શકે છે." પ્રશાંત કિશોરે વધુમાં કહ્યું કે, "વાતચીતમાં કોંગ્રેસના નેતાને લઈને કોઈ ચર્ચા નથી થઈ. ઘણી વાતચીતમાં G-23 નેતાઓમાં ઘણી સમાનતાઓ છે. સુચનો અંગે વાતચીતમાં સહમતિ બની હતી." પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી વિશે વાત કરતાં કહ્યું કે, "મારું કદ એટલું મોટું નથી કે રાહુલ ગાંધી મને ભાવ આપે. તેઓ મને કેમ ભાવ આપે ભાઈ? રાહુલ ગાંધી મારા મિત્ર છે. મિટીંગોમાં રાહુલ ગાંધી ઘણીવાર હાજર હતા. કમિટી બની તેમાં પણ રાહુલ ગાંધી હતા."
રાહુલ-પ્રિયંકાનું નામ નહોતુંઃ
પ્રશાંત કિશોરે કાર્યક્રમમાં મોટી વાતનો ખુલાસો કરતાં જણાવ્યું કે, "લીડરશિપ ફોર્મ્યુલામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા બંનેનું નામ નહોતું." તેમણે કહ્યું કે, "જે સુચનો હતા તે હું નહીં જણાવી શકું." કોંગ્રેસના સંબંધોને લઈને પીકેએ કહ્યું કે "મારી એટલી તાકાત નથી કે હું રાહુલ ગાંધીની ભૂમિકા નક્કી કરી શકુ. કોંગ્રેસે મને થેન્ક યુ કહ્યું મને તેનાથી કોઈ મુશ્કેલી નથી. જો તેમને લાગે છે કે તેઓ મારા વગર કરી શકે છે તો એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી." પ્રશાંત કિશોરે કહ્યું કે, "મેં મારા પ્રેઝેન્ટેશન માટે કોઈ રુપિયા નથી લીધા. તમે મને બોલાવશો તો તમારે સાંભળવું તો પડશે જ. મેં એ કહ્યું કે બધાની સહમતી હોય તે વ્યક્તિને જ કોંગ્રેસનો નેતા બનાવવો જોઈએ."