Mundka Fire: દિલ્હીના મુંડકામાં મેટ્રો સ્ટેશન નજીક એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 27 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘટના સ્થળની મુલાકાત લઇને ઘટના અંગેની જાણકારી મેળવી હતી. દરમિયાન મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે, તેમજ તમામ ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાય અપાશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ મામલે જે પણ દોષિત હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈને પણ છોડવામાં આવશે નહીં.






એક રિપોર્ટ અનુસાર, બિલ્ડિંગ ચાર માળની છે જેનો ઉપયોગ કંપનીઓને ઓફિસ સ્પેસ આપવા માટે કોમર્શિયલ રીતે કરવામાં આવતો હતો. આગ બાદ પોલીસે કાર્યવાહી કરી ફેક્ટરીના બંન્ને પુત્રોની ધરપકડ કરી હતી.


મૃતકોમાંથી 25ની ઓળખ થઈ શકી નથી- DCP


માહિતી આપતા ડીસીપી સમીર શર્માએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયાની પુષ્ટી થઈ છે. જેમાં 2 લોકોની ઓળખ કરવામાં આવી છે. જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. આ સિવાય કંપનીના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. જોકે, બિલ્ડિંગનો માલિક હજુ ફરાર છે. એનઓસીના પ્રશ્ન પર ડીસીપીએ કહ્યું કે હાલમાં તપાસ ચાલી રહી છે.


મુંડકામાં આગની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ માટે હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક તૈયાર કરવામાં આવ્યું છે. નાગરિક સુરક્ષા અધિકારી એસપી તોમરે જણાવ્યું હતું કે આ હેલ્પ ડેસ્ક એવા લોકોને મદદ કરવા માટે છે જેમના સંબંધીઓ લાપતા અથવા ઘાયલ છે જેથી તેઓ સાચી માહિતી મેળવી શકે. તેમણે કહ્યું હતું કે, અમને ગુમ થયાની 29 ફરિયાદો મળી છે. અમે ફરિયાદીઓ પાસેથી માહિતી મેળવી રહ્યા છીએ. અમે DM પશ્ચિમ તરફથી હેલ્પલાઇન નંબર મૂક્યો છે. અમને કોઈ માહિતી મળશે કે તરત જ તેમને જાણ કરવામાં આવશે.


આ ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને હજુ પણ ઘણા લોકો લાપતા છે. પોલીસ દ્ધારા આ સમગ્ર મામલામાં આઈપીસી 304, 308, 120 હેઠળ FIR નોંધવામાં આવી છે.