નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તરના કારણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અનેક મોટા નિર્ણય લીધા છે. આજે એક બેઠક બાદ કેજરીવાલે કહ્યું કે સોમવારથી દિલ્હીની તમામ સ્કૂલ એક સપ્તાહ માટે બંધ રહેશે. તે સિવાય દિલ્હીના સરકારી કર્મચારી વર્ક ફ્રોમ હોમ કરશે.



પ્રદૂષણના કારણે મળેલી મહત્વની બેઠક બાદ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે દિલ્હીમાં સોમવારથી તમામ સ્કૂલ એક સપ્તાહ માટે બંધ રહેશે. જોકે, આ દરમિયાન વર્ચ્યુઅલ ક્લાસ ચાલુ રહેશે. તે સિવાય 14 થી 17 નવેમ્બર વચ્ચે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી બંધ રાખવામાં આવશે.


કેજરીવાલે કહ્યું કે આ સમયે અમારો ઉદેશ્ય દિલ્હીના લોકોને રાહત પહોંચાડવાનો છે. તમામ વિભાગોના લોકો સાથે બેઠક બાદ ચાર નિર્ણય લેવામાં આવ્યા છે. આ સમયે કોઇ સામે આંગળી ઉઠાવવાનો નથી. સુપ્રીમ કોર્ટે પ્રદૂષણના સ્તરને જોતા લોકડાઉન લગાવવા પર વિચાર કરવા કહ્યું હતું. જેના પર કેજરીવાલે કહ્યું કે સંપૂર્ણ લોકડાઉન પર પ્રસ્તાવ બનાવી રહ્યા છીએ. અમે અમારા પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટ સમક્ષ રાખીશું. કેન્દ્ર સરકાર અને તમામ એજન્સીઓ સાથે વાત કરીને નિર્ણય લઇશું.


કેજરીવાલે કહ્યું કે જો સ્થિતિ વધુ બગડશે તો દિલ્હીમાં તમામ પ્રાઇવેટ કાર, નિર્માણ કાર્ય, ટ્રાન્સપોર્ટ, ઇન્ડસ્ટ્રિયલ કામગીરીને બંધ કરવામાં આવી શકે છે. આ હાલમાં ફક્ત પ્રસ્તાવ છે.


દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આ ગંભીર મુદ્દા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું કે વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી-એનસીઆરમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આપણે ઘરે પણ માસ્ક પહેરવું પડશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે તેણે પ્રદૂષણનો સામનો કરવા માટે શું પગલાં લીધાં છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવા પર પણ વિચાર કરવો જોઈએ.


સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફક્ત ખેડુતોને જ જવાબદાર ઠેરવી શકાય નહીં કે જેઓ પરાળ બાળે છે. 70 ટકા પ્રદૂષણનું કારણ ધૂળ, ફટાકડા, વાહનો વગેરે છે, જેને નિયંત્રિત કરવું જોઈએ. અમને જણાવો કે 500 પર પહોંચ્યા પછી AQI કેવી રીતે ઘટશે.