નવી દિલ્હી: રાજધાની દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે અને પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસે પ્રદર્શનકારીઓને ત્યાંથી હટવાની અપીલ કરી છે. શાહીન બાગમાં 15 ડિસેમ્બરથી નાગરિકતા કાયદાના વિરોધમાં લોકો ધરના પર બેઠા છે. જેના કારણે દિલ્હી -નોઈડાને જોડતો કાલિંદી કુંજ રોડ બંધ છે.



પ્રદર્શનકારીઓ નાગરિકતા સંશોધન કાયદાને પરત લેવા તથા તેમાં મુસલમાનોને સામેલ કરવાની માંગ કરી રહ્યાં છે. આ પ્રદર્શનના કારણે ત્રણ રાજ્ય દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશ સીધે સીધા પ્રભાવિત છે.


શાહીન બાગ મામલે સુપ્રીમ કોર્ટે 23 માર્ચે આગામી સુનાવણી કરશે. કૉર્ટે કહ્યું કે આ મામલાના ઉકેલવા વાર્તાકારોને સફળતા મળી નથી. આ સાથે કોર્ટે કહ્યું કે વાર્તાકારોની ભૂમિકા ચાલુ રહેશે. સૉલિસીટર જનરલે શાહીન બાગમાં કાર્યવાહી માટે આદેશ માંગ્યો હતો. તેના પર જજે કહ્યું હતું કે અમે કોઈ આદેશ પણ નથી આપી રહ્યાં પરંતુ કોઈ પ્રતિબંધ પણ લગાવી રહ્યાં નથી.

શાહીન બાગમાં પ્રદર્શનના કારણે દિલ્હી અને નોઈડાનો રસ્તો બે મહિનાથી બંધ છે. આ રોડ પર આવેલી 200 જેટલી દુકાનો બંધ છે. સાથે એકબાજુનો રસ્તો બંધ હોવાથી અન્ય રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાય છે.