Independence Day Security: દેશભરમાં હાલમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ ચાલી રહી છે. ગુરુવારે (15 ઓગસ્ટ) ભારતને આઝાદી મળ્યાને 77 વર્ષ પૂરા થશે. દિલ્હીમાં સુરક્ષા ખૂબ જ કડક કરવામાં આવી છે. વિવિધ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આવતા-જતા દરેક વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા લાલ કિલ્લાની આસપાસ નજર રાખવા માટે 700 આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ચહેરાની ઓળખાણ સીસીટીવી કેમેરા ખરીદ્યા છે.
દિલ્હી પોલીસ લાલ કિલ્લાની મજબૂત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં કોઈ કસર છોડવા માંગતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે અહીંથી સતત 11મી વખત રાષ્ટ્રને સંબોધન કરવા જઈ રહ્યાં છે. આ જ કારણ છે કે લાલ કિલ્લા પર સીસીટીવી કેમેરા સિવાય 10 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન અને અન્ય મહાનુભાવોની સુરક્ષા માટે એલિટ સ્વાટ કમાન્ડો તેમજ શાર્પશૂટર્સને સ્ટ્રેટેજિક લૉકેશન પર તૈનાત કરવામાં આવશે.
AI કેમેરાથી લોકો પર રખાશે નજર, AAP થી થશે વેરિફિકેશન
પોલીસે કહ્યું છે કે AI-આધારિત CCTV કેમેરામાં હાઈ-રિઝૉલ્યૂશન પેન-ટિલ્ટ-ઝૂમ ફિચર્સ હશે, જેના દ્વારા તેઓ દૂરથી કોઈને પણ ઓળખી શકશે. એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ લાલ કિલ્લા પરના કાર્યક્રમમાં હાજરી આપવા આવતા લોકોની ઓળખ કરવા માટે સ્માર્ટફોન આધારિત એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવા જઈ રહી છે. એકંદરે, લાલ કિલ્લાને એવા વિસ્તારમાં પરિવર્તિત કરવામાં આવશે જ્યાં પક્ષીઓ પણ ફરકી શકશે નહીં.
એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર વધારી સુરક્ષા
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, મોલ અને માર્કેટમાં અર્ધલશ્કરી દળો સહિત સુરક્ષા જવાનોની વધારાની ટીમો પણ તૈનાત કરવામાં આવી રહી છે. ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે લગભગ 3,000 ટ્રાફિક પોલીસ કર્મચારીઓ રાજધાનીના મુખ્ય જંકશન પર અને લાલ કિલ્લા તરફ જતા રસ્તાઓ પર તૈનાત કરવામાં આવશે. પોલીસે હૉટલ, ગેસ્ટ હાઉસ, પાર્કિંગ લોટ અને રેસ્ટૉરન્ટની આસપાસ પેટ્રોલિંગ પણ સઘન બનાવ્યું છે અને ભાડૂઆતો અને નોકરોની ચકાસણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો
Surat Crime: સુરતમાં એક જ દિવસમાં ત્રણ હત્યા, 24 કલાકમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા મૃતદેહો