Delhi Services Bill in Lok Sabha: કેન્દ્ર સરકારે આજે મંગળવારે લોકસભામાં અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ સંબંધિત દિલ્હી સર્વિસ બિલ રજૂ કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહ વતી કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે ગૃહમાં બિલ રજૂ કર્યું હતું. બિલ રજૂ થતાંની સાથે જ ગૃહમાં હોબાળો શરૂ થયો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. વિપક્ષે આ બિલનો ઉગ્ર વિરોધ કર્યો હતો.


આ બિલને બિજુ જનતા દળ એટલે કે બીજેડીનું સમર્થન મળ્યું છે. જેથી આમ આદમી પાર્ટીનું રાજ્યસભાનું ગણિત ગડબડાઈ શકે છે. 


બિલ અંગે અમિત શાહે કહ્યું હતું કે, આ વિરોધ રાજકીય છે અને તેનો બંધારણીય આધાર નથી. તેના આધારે આ બિલ રજૂ કરવાની મંજૂરી આપવી જોઈએ. અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, આ ગૃહને કાયદો બનાવવાનો અધિકાર છે. બીજું, સુપ્રીમ કોર્ટના જ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, જો કેન્દ્ર સરકારને લાગે તો તે કાયદો બનાવી શકે છે.


બિલને લઈને ગૃહમાં વિપક્ષનો હોબાળો


વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ આનો વિરોધ કર્યો અને કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર બંધારણને નબળું પાડી રહી છે. અધીર રંજને એમ પણ કહ્યું હતું કે, આ દિલ્હી સરકારના અધિકારો પર કાપ મૂકવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું હતું કે, આ બિલ સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે.


ઓવૈસીએ શું કહ્યું?


આ બિલને લઈને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ બિલનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, આ બિલ રજૂ કરવું જોઈએ કે નહીં તેના પર મતદાન થવું જોઈએ. આ દરમિયાન ઓવૈસીએ વિપક્ષને આડે હાથ લેતા કહ્યું હતું કે, અત્યાર સુધી તેઓ વડાપ્રધાન આવ્યા વિના ગૃહ નહીં ચલાવવાની વાત કરતા હતા, પરંતુ હવે તેઓ ગૃહ ચલાવવા માટે રાજી થઈ ગયા છે.


દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી આ બિલનો વિરોધ કરી રહી છે અને તેણે આ માટે વિપક્ષી પાર્ટીઓ પાસેથી સમર્થન પણ માંગ્યું છે. કોંગ્રેસ, JDU સહિત અનેક પક્ષોએ બિલનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે આ મુદ્દે અગાઉ વટહુકમ બહાર પાડ્યો હતો, જેની સામે આમ આદમી પાર્ટી પણ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. આ મામલો પાંચ જજોની બંધારણીય બેંચ પાસે છે.


બીજેડીનું ભાજપને સમર્થન


સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી સરકારને દિલ્હી સેવા બિલ અને વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર બીજેડીનું સમર્થન પણ મળ્યું છે. બીજેડીને કારણે બંને ગૃહોમાં મોદી સરકારનું અંકગણિત પણ વધશે. લોકસભામાં બીજેડીના 12 સાંસદો છે. જ્યારે બીજેડીના રાજ્યસભામાં નવ સાંસદ છે. બીજેડીના સમર્થન બાદ રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ પાસ થવાની શક્યતા વધી ગઈ છે. સાથે જ આમ આદમી પાર્ટી માટે આ મોટો ફટકો છે. દિલ્હી સર્વિસ બિલની તરફેણમાં ઓછામાં ઓછા 128 વોટ હવે પાક્કા થઈ ગયા છે.