નવી દિલ્હીઃ દેશની રાજધાનીમાં હવે કોરોનાનો પ્રકોપ ખૂબ ઘટી ગયો છે. જેને ધ્યાનમાં રાખી અનલોકની પ્રક્રિયા અંતર્ગત દિલ્હીમાં સોમવારથી તમામ માર્કેટ મોલ્સ, રેસ્ટોરંટ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, સ્કૂલ, કોલેજ, સ્વીમિંગ પુલ, સ્પા સેંટર બંધ રહેશે. આ માહિતી ખુદ સીએમ કેજરીવાલે આપી હતી.
શું ખૂલશે-શું રહેશે બંધ
- કેજરીવાલે કહ્યુ, કાલે સવારે 5 વાગ્યા બાદથી કેટલીક ગતિવિધિને બાદ કરતાં તમામ ગતિવિધિ શરૂ થશે.
- માર્કેટ ખોલવા માટે ઓડ-ઈવન સિસ્ટમ કાલથી લાગુ નહીં થાય.
- ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી કામ કરી શકાશે.
- બજાર, મોલ, માર્કેટ કોમ્પલેક્સમાં તમામ દુકાનો સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.
- રેસ્ટોરેંટ 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. એક ઝોનમાં એક જ સાપ્તાહિક બજાર ખોલી શકાશે.
- લગ્ન 20 લોકો સાથે ઘર કે કોર્ટમાં કરી શકાશે.
- ધાર્મિક સ્થળ ખોલવામાં આવી રહ્યા છે, પરંતુ શ્રદ્ધાળુને જવાની મંજૂરી નહીં આપવામાં આવે.
દિલ્હીમાં કોરોનાનું શું છે ચિત્ર
રાજધાની દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3610 છે. જ્યારે 14,02,474 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દિલ્હીમાં 24,800 લોકોના કોરોનાથી મોત થયા છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80,834 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,32,062 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 3303 લોકોના મોત થયા છે. દેશમાં 72 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 31માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 25 કરોડ 31 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 84 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 37 કરોડ 82 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.25 ટકા છે. જ્યારે રિકવરી રેટ 95 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4 ટકાથી ઓછી છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાને છે. વિશ્વમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે.