નવી દિલ્હીઃ ઉત્તર પૂર્વીય દિલ્હીમાં ચાલી રહેલી હિંસાને લઇને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે મંગળવારે પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકની સાથે તે વિસ્તારોની મુલાકાત લીધી, જ્યાં હિંસા ભડકી હતી. અજિત ડોભાલ સૌથી પહેલા પોલીસ કમિશનર સાથે નોર્થ ઇસ્ટ જિલ્લાના ડીસીપી ઓફિસ પહોંચ્યા હતા.
અહીં પોલીસના અન્ય ઉચ્ચ અધિકારી, ગૃહ મંત્રાલય અને આઇબીના વરિષ્ઠ અધિકારી પણ હાજર હતા. આ અધિકારીઓની સાથે બેઠક કર્યા બાદ અજિત ડોભાલ ઝાફરાબાદ, મૌજપુર, કબીર નગર, ભજનપુરા, કરાવલ નગર, ગોકુલપુરી અને ચાંદ બાગ વગેરે વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ તે ફરીથી એકવાર ડીસીપી ઓફિસ ગયા અને ત્યાંથી પરત ફર્યા હતા.
દિલ્હી હિંસાએ ભયંકર રૂપ ધારણ કરી લીધુ છે, અત્યાર સુધી હિંસામાં કુલ 13 લોકોના મોત થઇ ચૂક્યા છે. દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસ પર આરોપ લાગ્યો છે કે પોલીસની નિષ્ફળતાથી હિંસા ભડકી રહી છે. જોકે, પોલીસ દાવો કરી રહી છે કે હિંસાને નિપટાવવા પોલીસ પુરેપુરી કોશિશ કરી રહી છે.
પોલીસના સૂત્રો મુજબ, જાફરાબાદ, મૌજપુર, ચાંદબાગ, ખુરેજી ખાસ અને ભજનપુરમાં થયેલા હિંસક પ્રદર્શનમાં 48 પોલીસકર્મી અને 98 સામાન્ય નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. આ વિસ્તારમાં આગ પર કાબૂ મેળવતા સમયે ત્રણ ફાયરકર્મીઓ પણ ઘાયલ થયા છે. ખુરેશી ખાસમાં મોટી સંખ્યામાં પોલીસ અને આરએએફ તૈનાત કરવામાં આવ્યા છે.
આ પહેલા ગઇકાલે અરવિંદ કેજરીવાલ તેમની પાર્ટીના નેતાઓ સાથે રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે શાંતિની પ્રાર્થના કરતા મીડિયાને કહ્યું કે, આખો દેશ દિલ્હીની હિંસા અંગે ચિંતિત છે. તેમણે કહ્યું કે છેલ્લા બે દિવસોની હિંસા અંગે સરકાર ચિંતામાં છે.આ હિંસામાં જાન માલ અને સંપત્તિને નુકસાન થયું છે.
દિલ્હીમાં અલગ-અલગ વિસ્તારોમાં હિંસક પ્રદર્શનને લઈને ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે મોટું નિવેદન આપ્યું છે. ગૌતમ ગંભીરે કહ્યું, કોઈ ફરક પડતો નથી કે એ માણસ કોણ છે, ભલે તે કપિલ મિશ્રા હોય કે પછી અન્ય કોઈ જો એ વ્યક્તિ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હોય તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.
દિલ્હી હિંસાઃ 13 લોકોના મોત બાદ એક્શનમાં સરકાર, NSA ડોભાલે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Feb 2020 08:19 AM (IST)
દિલ્હી હિંસાએ ભયંકર રૂપ ધારણ કરી લીધુ છે, અત્યાર સુધી હિંસામાં કુલ 13 લોકોના મોત થઇ ચૂક્યા છે. દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસ પર આરોપ લાગ્યો છે કે પોલીસની નિષ્ફળતાથી હિંસા ભડકી રહી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -