નવી દિલ્હી: ઉતર પૂર્વી દિલ્હીમાં હિંસા ચાલુ છે. ત્યારે જીટીબી હોસ્પિટલે કહ્યું કે મૃતકોની સંખ્યા 9 થઈ છે. સોમવારે થયેલી હિંસામાં હેડ કોન્સ્ટેબલ સહિત સાત લોકોના મોત થયા હતા. નાગરિકતા સંશોધન કાયદાના મુદ્દે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સતત ત્રીજા દિવસે પથ્થર અને આગચંપી થઈ હતી. ઉપદ્રવીઓએ મૌજપુર મેટ્રો સ્ટેશન,ભજનપુરા અને બ્રહ્મપુરી વિસ્તારોમાં ફરીથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ગોકલપુરીમાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ સહિત ઘણા વાહનોમાં આગ ચાંપવામાં આવી હતી.

ઉત્તર પૂર્વી દિલ્હીમાં મૌજપુર વિસ્તારમાં મંગળવારે પણ હિંસા ચાલુ છે. બે સમૂહો લાકડીઓ લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. મૌજપુરમાં આક્રોશિત ભીડે ભડકાઉ નારા લગાવતા એક મોટરસાઈકલને આગ લગાવી હતી.


પોલીસના સૂત્રો મુજબ, જાફરાબાદ, મૌજપુર, ચાંદબાગ, ખુરેજી ખાસ અને ભજનપુરમાં થયેલા હિંસક પ્રદર્શનમાં 48 પોલીસકર્મી અને 98 સામાન્ય નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. આ વિસ્તારમાં આગ પર કાબૂ મેળવતા સમયે ત્રણ ફાયરકર્મીઓ પણ ઘાયલ થયા છે. ખુરેશી ખાસમાં મોટી સંખ્યામાં પોલીસ અને આરએએફ તૈનાત કરવામાં આવ્યા છે.




અરવિંદ કેજરીવાલ તેમની પાર્ટીના નેતાઓ સાથે રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે શાંતિની પ્રાર્થના કરતા મીડિયાને કહ્યું કે, આખો દેશ દિલ્હીની હિંસા અંગે ચિંતિત છે. તેમણે કહ્યું કે છેલ્લા બે દિવસોની હિંસા અંગે સરકાર ચિંતામાં છે.આ હિંસામાં જાન માલ અને સંપત્તિને નુકસાન થયું છે.

દિલ્હીમાં અલગ-અલગ વિસ્તારોમાં હિંસક પ્રદર્શનને લઈને ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે મોટું નિવેદન આપ્યું છે. ગૌતમ ગંભીરે કહ્યું, કોઈ ફરક પડતો નથી કે એ માણસ કોણ છે, ભલે તે કપિલ મિશ્રા હોય કે પછી અન્ય કોઈ જો એ વ્યક્તિ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હોય તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.