નવી દિલ્હી: સોમવારે (27 નવેમ્બર) સાંજે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. જેના કારણે તાપમાનનો પારો અમુક ડિગ્રી નીચે આવ્યો હતો. હવે દિલ્હીમાં ઠંડીમાં વધારો થશે. દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. સાંજના સમયે આ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી.
દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. IMDએ કહ્યું કે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાન ધીમે ધીમે 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટશે. સોમવારે સવારે દિલ્હીમાં જોરદાર પવન ફૂંકાયો હતો. સોમવારે લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું.
રાજધાની દિલ્હીમાં સોમવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી સાંજે હળવા ઝરમર વરસાદ શરૂ થયો હતો. આ સાથે NCR નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. ફરીદાબાદ અને ગુરુગ્રામમાં પણ સાંજે હળવા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. હળવા વરસાદથી લોકોને પ્રદુષણથી તો રાહત મળશે જ પરંતુ ઠંડીમાં પણ વધારો થશે. આ વરસાદ બાદ હવે ઠંડીનો ચમકારો જોવા મળશે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ
ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. રાજ્યમાં રવિવારે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને બરબાદ કરી દીધા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્યાંક કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોના ઘઉં,ચણા, કપાસ, જીરૂ અને ઘાસચારાના પાકને વ્યાપક નુકસાન થયું છે. કપાસ, એરંડા, મકાઈ અને સોયાબીનના પાકને પણ નુકસાન થયું છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં માવઠાના કારણે શેરડી, ડાંગર અને શાકભાજીના પાકોને નુકસાન થયું છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial