મુંબઇઃ શિવસેનાની સહયોગી પાર્ટી એનસીપીના અધ્યક્ષ શરદ પવારે કંગનાની નિવેદનબાજી પર પ્રતિક્રિયા આપી છે. પવારે કહ્યું કે, આ પ્રકારના નિવેદનોને વધુ મહત્વ આપવાની જરૂર નથી. આ પ્રકારના નિવેદનોથી સામાન્ય લોકોની લાઇફ પર કોઇ ફેર પડતો નથી. હોશિયાર લોકો આવી ચીજો પર ધ્યાન આપતા નથી. તેને ગંભીરતાથી લેવાની કોઇ જરૂર નથી. મારી ફરિયાદ મીડિયા સામે છે કારણ કે તેઓ આવી ખબરોને વધુ મહત્વ કેમ આપી રહ્યા છે.
કંગના રનૌતની મુંબઇ સ્થિત મણિકર્ણિકા ફિલ્મ્સ ઓફિસ પર બીએમસીની કાર્યવાહી પર પવારે કહ્યું કે, તેની ઓફિસ અંગે તેમને કોઇ જાણકારી નથી. પરંતુ ન્યૂઝપેપરમાં વાંચ્યું કે ત્યાં ગેરકાયદેસર નિર્માણ હતું. મુંબઇમાં ગેરકાયદેસર નિર્માણ કોઇ નવી વાત નથી. બીએમસી નિયમો અનુસાર કાર્યવાહી કરી રહી છે તો યોગ્ય હશે.


વાસ્તવમાં પવારના હાથે આજે પોલીસ અધિકારીઓના અનુભવો પર આધારીત પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. નોંધનીય છે કે બોમ્બે હાઇકોર્ટે કંગનાની ઓફિસ પર બીએમસીની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.