નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકારને આડે હાથ લીધી છે. રાહુલ ગાંધીએ આજે ટ્વિટ કરીને કહ્યું, કોરોના વાયરસના કારણે અચાનક લાદવામાં આવેલા લોકડાઉને દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ કર્યુ છે. ગરીબો અને અસંગઠિત લોકો પર તેની મોટી અસર થઈ છે.


રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું, આ લોકડાઉન દેશના અસંગઠિત વર્ગના લોકો માટે મૃત્યુદંડ સાબિત થયું. કોંગ્રેસ નેતાએ વીડિયોમાં કહ્યુ, કોરોનાના નામે જે કરવામાં આવ્યું તે અસંગઠિત ક્ષેત્ર પર ત્રીજું આક્રમણ હતું. ગરીબ લોકો, નાના અને મધ્યમ કારોબારીઓ, દાડિયું કરતા લોકો પર તમે કોઈપણ જાતની નોટિસ વગર લોકડાઉન લગાવીને આક્રમણ કર્યુ છે.



તેમણે દાવો કર્યો કે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે 21 દિવસની લડાઈ હશે. અસંગઠિત ક્ષેત્રની કરોડરજ્જુ 21 દિવસમાં જ તૂટી ગઈ. જ્યારે લોકડાઉન ખોલવાનો સમય આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એક નહીં અનેક વખત સરકારને ગરીબોની મદદ કરવી જ પડશે, ન્યાય યોજના જેવી એક યોજના લાગુ કરવી પડશે, બેંક ખાતામાં સીધા રૂપિયા જમા કરાવા પડજશે તેમ કહ્યું હતું પરંતુ સરકારે આમ કર્યુ નથી.

રાહુલે એમ પણ કહ્યું, અમે લઘુ તથા મધ્યમ ઉદ્યોગ માટે પેકેજ તૈયાર કરીને તેમને બચાવવાની જરૂર હોવાનું કહ્યું હતું. પરંતુ સરકારે કંઈ ન કર્યું, ઉલટું સરકારે સૌથી ધનિક 15-20 લોકોના લાખો કરોડો રૂપિયા માફ કરી દીધા. રાહુલં દાવો કર્યો કે, લોકડાઉન કોરોના પર આક્રમણ નહોતું પરંતુ હિન્દુસ્તાનના ગરીબો, યુવાઓના ભવિષ્ય, મજૂર, ખેડૂતો અને નાના વેપારીઓ તથા અસંગઠિત ક્ષેત્રના લોકો પર આક્રમણ હતું. આ આક્રમણ સામે આપણે બધાએ એક થઈને લડવું પડશે.