નોટબંદીના નિર્ણયથી શિવસેના લાલઘૂમ, કહ્યું- ‘દેશમાં ફેલાઈ નાણા અરાજકતા’
abpasmita.in | 14 Nov 2016 04:23 PM (IST)
મુંબઈ: પ્રધાનમંત્રી મોદી દ્વારા નોટબંદીના નિર્ણય પર તેમની સહયોગી શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં તીખા પ્રહાર કર્યા છે. શિવસેનાએ આરોપ લગાવ્યો કે મોદી દ્વારા કાળા ધનને રોકવા માટે અપનાવમાં આવેલો રસ્તો ‘શેતાની’ છે. તેનાથી દેશમાં નાણાની અરાજકતા થઈ છે. આજે રસ્તાઓ ખાલી છે, કોઈ વેપાર કે વ્યવસાય થઈ રહ્યો નથી. શાકભાજી બજારમાં પણ કોઈ ખરીદનાર નથી. મજૂરો પાસે કોઈ કામ નથી અને પેટ્રોલ પંપ પણ ધીરે ધીરે નોટોના પરિવર્તનથી બંધ થઈ રહ્યા છે. મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના કાળાધનને બહાર કાઢવા માટે મોદી સરકારે સવા સો કરોડની જનતાને રસ્તા પર લાવી દીધી છે. પોતાના મુખપત્ર સામનામાં શિવસેનાએ કહ્યું કે પીએમ મોદીના આ નિર્ણયથી પાકિસ્તાન પર કાર્યવાહીના બદલે ભારતીય નાગરિકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે જેની પાસે કોઈ કાળું નાણું નથી, તે પણ હેરાન થઈ રહ્યા છે. 125 કરોડ ભારતીયો આજે ભોજન અને પાણી વગર ગરમીમાં લાઈનમાં ઉભા છે. તો શું તમે ભવિષ્યમાં ફરીથી આવા લોકોને સત્તા પર લાવશો?