Dengue Vaccine: કોરોના સામે લડવા ભારતમાં વિક્સિત સ્વદેશી રસી કોવેક્સિનને હજુ પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની માન્યતા મળવાની રાહ છે. અનેક કંપનીઓ ડેંગ્યુની વેક્સિન વિકસિત કરવામાં લાગી છે. જેમાં કેટલાકનું પ્રથમ તબક્કાનું ટ્રાયલ શરૂ છે. કોરોના હજુ ખતમ થયો નથી, તેથી તહેવારો દરમિયાન વિશેષ સાવધાની રાખવાની જરૂર છે તેમ આઈસીએમઆરના ડો.બલરામ ભાર્ગવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.


આઈસીએમઆરના ડીજી ડો.બલરામ ભાર્ગવે કહ્યું, ડેંગ્યુની રસી એક મહત્વનો મુદ્દો છે. દેશમાં અનેક કંપનીઓને આ રસી બનાવવાનું લાયસન્સ આપવામાં આવ્યું છે. આ કંપનીઓ પ્રથમ તબક્કાનું ટ્રાયલ પૂરું કરી ચુકી છે. તેનું સઘન ટ્રાયલ થાય તેમ અમે ઈચ્છીએ છીએ.




રસીકરણને લઈ શું કહ્યું ડો.ભાર્ગવે


ડો. ભાર્ગવે એમ પણ કહ્યું કે, હાલ સરકારનું સંપૂર્ણ ધ્યાન સમગ્ર દેશનું રસીકરણ કરવાનું છે. તમામ લોકોને વેક્સિનના બંને ડોઝ આપવા પહેલી પ્રાથમિકતા છે. હાલ બૂસ્ટર ડોઝ અંગે વાત કરવી યોગ્ય નથી.


બહુ જરૂરી હોય તો જ યાત્રા કરો


તેમણે એમ પણ જણાવ્યું, કોરોના સંક્રમણના મામલા ઘટ્યા છે. પરંતુ તેના પ્રત્યે આપણે બેદરકારી ન દાખવવી જોઈએ. તહેવારોની સીઝન આવી રહી છે. આપણે મર્યાદીત માત્રામાં એકઠા થઈને તહેવારો મનાવવા પડશે. બહુ જરૂર હોય તો જ યાત્રા કરવી જોઈએ, નહીંતર ટાળવી જોઈએ.


ડેન્ગ્યુના કેવા હોય છે લક્ષણો


ડેન્ગ્યુ એક મચ્છરજન્ય રોગ છે. આ મચ્છર માણસને કરડવાથી ડેન્ગ્યુ થાય છે. ઠંડી લાગવી, માથાનો દુખાવો, આંખો ફેરવવાથી દુખાવો, પીઠનો દુખાવો સહિત સતત અને અતિશય તાવ ડેન્ગ્યુના લક્ષણો છે. આ ઉપરાંત અતિશય થાક, પીઠનો દુખાવો, સાંધાનો દુખાવો, ચક્કર આવવા, ઉલટી, લો બ્લડ પ્રેશ, ફોલ્લીઓ વગેર જેવા લક્ષણો પણ જોવા મળે છે.


ડેન્ગ્યુની શું છે સારવાર


હાલ ડેન્ગ્યુની કોઈ રસી નથી, આ વાયરસથી થતો રોગ હોવાથી તેની કોઈ ચોક્કસ સારવાર નથી. પરંતુ તેના લક્ષણના આધારે સારવાર કરવામાં આવે છે. આ મચ્છરોનાં શરીર પર ચિત્તા જેવી પ્રિન્ટ હોય છે. આ મચ્છર દિવસમાં, ખાસ કરીને સવારે કરડે છે. ડેન્ગ્યુ વરસાદ અને ત્યાર બાદના મહિના એટલે કે જુલાઈથી ઓક્ટોબર વચ્ચે સૌથી વધુ ફેલાય છે, કારણ કે આ સમયગાળામાં મચ્છરોના ઉદ્દભવ માટે અનુકૂળ પરિસ્થિતિઓ હોય છે. એડીસ ઇજિપ્તી મચ્છર ખૂબ ઊંચાઈ સુધી ઊડી શકતા નથી.


ડેન્ગ્યુ તાવથી પીડિત દર્દીના લોહીમાં ડેન્ગ્યુ વાઇરસ વધુ માત્રામાં હોય છે. જ્યારે કોઈ એડીસ મચ્છર ડેન્ગ્યુના કોઈ દર્દીને કરડે છે તો તે દર્દીનું લોહી ચૂસે છે. લોહીની સાથે ડેન્ગ્યુ વાયરસ પણ મચ્છરના શરીરમાં પ્રવેશે છે. જ્યારે ડેન્ગ્યુ વાઇરસવાળો આ મચ્છર અન્ય કોઈ વ્યક્તિને કરડે છે તો તેનામાંથી તે વાઇરસ તે વ્યક્તિના શરીરમાં પહોંચી જાય છે, જેથી તે ડેન્ગ્યુ વાયરસથી ગ્રસ્ત થઈ જાય છે.