Jharkhand Ropeway Mishap: ઝારખંડના દેવઘરમાં જમીન અને આકાશ વચ્ચે રોપ-વેમાં ફસાયેલા લોકોને બચાવવા માટે બે દિવસ સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આજે આ રેસ્ક્યુ ઓપરેશન પુર્ણ જાહેર કરવામાં આવ્યું છે. આ ઓપરેશન માટે વાયુસેનાના MI-17 હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી. દેશના સૌથી ઉંચા ત્રિકૂટના પહાડો ઉપર સેનાને ઓપરેશન વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો (Deoghar Ropeway Rescue Video) ભારતીય વાયુ સેના દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે વાયુ સેનાના જાંબાજ જવાનો દ્વારા કઈ રીતે દોરડાના સહારે લોકોના જીવ બચાવામાં આવ્યા છે.
46 કલાક બાદ ઓપરેશન પૂર્ણઃ
ઝારખંડના દેવઘર જિલ્લામાં ત્રિકૂટ પહાડીઓને જોડનાર રોપ-વે બંધ પડી ગઈ હતી જેમાં ઘણા લોકો ફસાયા હતા. આ લોકને રેસ્ક્યુ કરવા માટે શરુ કરાયેલું ઓપરેશન લગભગ 46 કલાક સુધી ચાલ્યું હતું. વાયુ સેનાના હેલીકોપ્ટરોથી રેસ્ક્યુ ઓપરેશન આજે મંગળવારે ફરીથી શરુ કરાયું હતું. ગત રવિવારે સાંજે 4 વાગ્યે રોપ-વેની ટ્રોલીઓ સામ-સામે ટકરાતાં રોપ-વેના સવાર ઘણા લોકો ફસાઈ ગયા હતા અને તેઓ રોપ-વેની ટ્રોલીઓમાં હવામાં લટકી રહ્યા હતા. અત્યાર સુધીમાં લગભગ ટ્રોલીઓમાં ફસાયેલા 50 લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. જો કે આ ઘટનામાં બે મહિલાઓ સહીત ત્રણ લોકોનાં મોત પણ થયાં છે. જેમાં એક પ્રવાસીને ગઈકાલે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયો હતો ત્યારે નીચે પડી જવાથી તેનું મોત થયું હતું. આ દુર્ઘટનામાં હાલ 12 ઈજાગ્રસ્ત લોકોની સારવાર ચાલી રહી છે.
રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયોઃ
વાયુ સેના, આર્મી, ભારત તિબ્બત સીમા પોલીસ (આઈટીબીપી), એનડીઆરએફ અને જિલ્લા તંત્રની સંયુક્ત ટીમો દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન ચલાવામાં આવ્યું હતું. આ રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો ભારતીય વાયુ સેના દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, આ દિલધડક ઓપરેશનમાં કઈ રીતે લોકોના જીવ બચાવામાં આવ્યા છે.