Delhi Congress Interim President: કોંગ્રેસે અરવિંદર સિંહ લવલીના રાજીનામા બાદ મંગળવારે (30 એપ્રિલ) ના રોજ દેવેન્દ્ર યાદવને દિલ્હી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. લોકસભા ચૂંટણી વચ્ચે અરવિંદર સિંહ લવલીએ રવિવારે પોતાની જ પાર્ટીની કામગીરી પર સવાલ ઉઠાવતા રાજીનામું આપ્યું હતુ.
દેવેન્દ્ર યાદવ હાલમાં પંજાબ કોંગ્રેસના પ્રભારી છે અને વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા પછી પણ તેઓ આ પદ પર યથાવત રહેશે. રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દિલ્હીમાં સાથે મળીને લડી રહ્યા છે જ્યારે પંજાબમાં તેઓ સામસામે લડી રહ્યા છે.
નોંધનીય છે કે અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપતા અરવિંદર સિંહ લવલીએ કહ્યું હતું કે દિલ્હી યુનિટના વિરોધ છતાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધન કર્યું હતું.
અરવિંદર સિંહ લવલીએ શું કહ્યું?
શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલવામાં આવેલા તેમના રાજીનામાના પત્રમાં લવલીએ કહ્યું કે, "તે પોતાને અસહાય અનુભવી રહ્યા હતા." તેનું કારણ એ હતું કે કોંગ્રેસના દિલ્હી પ્રભારી દીપક બાબરિયા દિલ્હી યુનિટના વરિષ્ઠ નેતાઓ દ્વારા સર્વસંમતિથી લેવામાં આવતા તમામ નિર્ણયો પર રોક લગાવતા હતા.આ સાથે લવલીએ સ્પષ્ટ કર્યું કે તે અન્ય કોઈ પાર્ટીમાં જોડાશે નહીં.
લવલીના રાજીનામા બાદ દેવેન્દ્ર યાદવનું નામ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં સામે આવ્યું હતું. તેની સાથે રાજેશ લિલોઠીયાનું નામ પણ રેસમાં હતું.
કોણ છે દેવેન્દ્ર યાદવ?
દેવેન્દ્ર યાદવ દિલ્હીની બાદલી સીટથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2008 અને 2013ની વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. તેઓ કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીના સભ્ય પણ છે.
દિલ્હીની તમામ 7 લોકસભા સીટો પર છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. અહીં કોંગ્રેસ-આપ ગઠબંધનનો ભાજપ સાથે મુકાબલો છે. ભાજપ સતત બે ચૂંટણીઓથી અહીં તમામ સાત બેઠકો જીતી રહ્યું છે.