નવી દિલ્હીઃ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતી મુંબઈના ધારાવીમાં બુધવારે મળેલા કોરોના વાયરસના દર્દીનું મોત થયું ચે. 56 વર્ષીય વ્યક્તિને સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની સાથે અન્ય લોકોને પણ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. આ લોકોના આજે રિપોર્ટ થશે.


ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતા જે વ્યક્તિનું મોત થયું છે તેના ઘરની આસપાસના વિસ્તારને સીલ કરીને ત્યાં સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત દવાનો છંટકાવ પણ તંત્રએ શરૂ કરી દીધો છે. કારણકે ધારાવીની ઝૂંપડપટ્ટીમાં 10 લાખથી વધારે લોકો રહે છે અને તેમનામાં સંક્રમણ ન ફેલાય તે માટે આ અગમચેતીના ભાગરૂપે સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે.

ધારાવી ઝૂંપડપટ્ટી આશરે 613 હેક્ટરમાં ફેલાયેલી છે. અહીંયા મોટા ભાગે દાડિયા મજૂરો અને નાના કારોબારીઓ છે. આ વિસ્તારમાં આશરે 22 હજારથી વધારે લોકો નાનો કારોબાર કરે છે, જેમનું દૈનિક ટર્નઓવર 8થી10 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ વિસ્તારમાં એક ઝૂંપડાની કિંમત પણ લાખો રૂપિયામાં છે.

1862માં અગ્રેજોએ તેમના ભવનોના નિર્માણ માટે અને અન્ય કામ માટે મજૂર વર્ગના લોકોને અહીં વસાવ્યા હતા અને ત્યારથી અહીંની સાંકડી ગલીઓ આ મજૂરોની ઓળખ બની ગઈ હતી. ધારાવીને મુંબઈનું ગુનાખોરીનું સેન્ટર માનવામાં આવે છે.