હાલ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી છે તેમ છતાં લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટેંસિંગ જેવા નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક એવા લોકો છે જે બેદરકાર બનીને માસ્ક પહેર્યા વગર ભીડભાડ વાળી જગ્યાએ ફરતા હોય છે. હાલ સોશિયલ મીડિયા પર આવો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં લોકો માસ્ક પહેર્યા વગર ફરી રહ્યા છે. પરંતુ ત્યાં ઉપસ્થિત એક બાળકે જે કર્યું તે લોકોનું દિલ જીતી લેનારું છે. એટલું જ નહીં યૂઝર્સ આ બાળકની પ્રશંસા પણ કરી રહ્યાછે.
આ વીડિયો હિમાચલ પ્રદેશના ધર્મશાળાનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો માસ્ક પહેર્યા વગર બિંદાસપણે ફરી રહ્યા છે. આ સ્થિતમાં નાનો બાળક હાથમાં ડંડો લઈને માસ્ક પહેરવા માટે લોકોને કહી રહ્યો છે. એટલું જ નહીં ત્યાંથી પસાર થતાં દરેક લોકોને તે માસ્ક ક્યાં છે તેમ પૂછી રહ્યો છે.
વીડિયો જોઈને ઘણા લોકો બાળકની પ્રશંસા કરી રહ્યા છે. જ્યારે અમુક લોકો માસ્ક પહેર્યા વગર લોકોને લાપરવાહ પણ ગણાવી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને ધર્મશાલા લોકલ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ એક યૂઝર્સે લખ્યું- ભણેલા ગણેલા લોકો કરતાં તો આ બાળક વધારે સમજદાર છે. જ્યારે અન્ય એક યૂઝર્સે લખ્યું, જે લોકો બેદરકાર થઈને ફરી રહ્યા છે તેઓ જ કોરોના ફેલાશે ત્યારે સરકાર પર દોષનો ટોપલો ઢોળશે.
સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, કેટલાક વિસ્તારમાં બીજી લહેર હજુ પણ મર્યાદીત સ્વરૂપે હાજર છે. હિલ સ્ટેશનો પર ફરવા જતાં લોકો કોવિડ ગાઇડલાઇનને ફોલો નથી કરતાં. જો પ્રોટોકોલનું પાલન નહીં કરવામાં આવે તો અમે પ્રતિબંધોમાં આપેલી ઢીલ ફરીથી રદ્દ કરી શકીએ છીએ. દેશમાં કોરોના વાયરસના 80 ટકા નવા કેસ 90 જિલ્લામાંથી આવી રહ્યા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, આસામ, કર્ણાટકમાં વધારે કેસ નોંધાઈ રહ્યા છે.