Bageshwar Dham: ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસે બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ FIR નોંધ્યા બાદ રવિવારે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આ જાણકારી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રિઠૌરાના રહેવાસી અનસ અંસારીએ ઈન્સ્ટાગ્રામ પર ધમકી આપતી પોસ્ટ કરી લખ્યું હતું કે બાબા પર મોત મંડરાઇ રહ્યું છે.




બરેલીના પોલીસ અધિક્ષક (ગ્રામ્ય) રાજ કુમાર અગ્રવાલે જણાવ્યું કે હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રિઠૌરાના રહેવાસી અનસ અંસારીએ ઈન્સ્ટાગ્રામ પર ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે ભડકાઉ વાતો લખી અને શાસ્ત્રીને મારી નાખવાની ધમકી પણ આપી હતી.


પોલીસે આ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો


પોલીસ અધિક્ષક (ગ્રામ્ય) એ જણાવ્યું કે આ મામલામાં પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 295A (ધાર્મિક લાગણીઓનું ઈરાદાપૂર્વક અપમાન), 504 (શાંતિ ભંગ કરવા ઉશ્કેરવાના ઈરાદાથી ઈરાદાપૂર્વક અપમાન) અને સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. હાફિઝગંજ પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2008 કલમ હેઠળ કેસ નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.


ધમકી આપનાર આરોપીની ધરપકડ


આ મામલે હિન્દુ જાગરણ મંચ અને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. આ સાથે સોશિયલ મીડિયા સાઇટ X પર વિવાદિત પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરીને બરેલી પોલીસ, IG, ADG અને DGPને ટેગ કરીને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી જેના પછી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે અનસ અંસારી કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે કે કેમ.


આ મામલામાં હાફિઝગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આરોપી અનસ અંસારી કોના સંપર્કમાં હતો આ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.                 


આરોપીની ચેટનો સ્ક્રીનશોટ ઘણા લોકોએ ટ્વીટ કર્યો છે. ઘણા લોકોએ તેમના પર બાબા શબ્દ લઈને મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન આરોપીએ મુખ્યમંત્રીને ધમકી આપવાનો ઇનકાર કર્યો હતો.