Diabetes, High Blood Sugar Level: બિનઆરોગ્યપ્રદ લાઇફ સ્ટાઇલ અને બેકાર ખાનપાનના કારણે ગંભીર રોગોનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યા ખુબ ઝડપથી વધી રહી છે. ડાયાબિટીસનો રોગ પણ પોતાની પાંખો ફેલાવી રહ્યો છે. પહેલા આ બિમારીઓ મોટી ઉંમરના લોકોને જ લાગુ પડતી હતી, જોકે, આજકાલ આ બિમારીઓ યુવાનો અને બાળકોમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2050 સુધીમાં વિશ્વની લગભગ એક અબજ વસ્તી (100 કરોડ) ડાયાબિટીસની ઝપેટમાં આવી શકે છે.
 
'મિરર'ના અહેવાલ મુજબ, શિક્ષણવિદોનું કહેવું છે કે, આ રોગ વિશ્વના દરેક દેશમાં અને તમામ ઉંમરના લોકોમાં કેર વર્તાવશે. એટલે કે 2050 સુધીમાં ડાયાબિટીસથી પીડિત લોકોમાં માત્ર વૃદ્ધો જ નહીં હોય, પરંતુ તેમની સાથે આધેડ, યુવાનો અને બાળકો પણ સામેલ થશે. ડાયાબિટીસને લગતા એક સંશોધનમાં આ આગાહી કરવામાં આવી છે. ધ લેન્સેટ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રિનોલૉજી જર્નલમાં પ્રકાશિત આ સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2050 સુધીમાં આ રોગ આખી દુનિયામાં ફેલાઈ જશે. આઠમાંથી એક વ્યક્તિ આ રોગથી પીડાશે.


આક્રમક રીતે વધશે ડાયાબિટીસ - 
એક અબજનો આ આંકડો 2021ના 53 કરોડ કેસ કરતાં બમણો છે. ન્યૂયોર્કમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસિનનાં ડોક્ટર શિવાની અગ્રવાલે જણાવ્યું કે, ડાયાબિટીસ અત્યારે સ્વાસ્થ્ય માટે સૌથી મોટો ખતરો છે. આગામી 3 દાયકામાં, આ રોગ દરેક દેશમાં, દરેક લિંગ અને દરેક વય જૂથમાં આક્રમક રીતે વધશે.


ભારતમાં 10.1 કરોડથી વધુ દર્દીઓ -
ડાયાબિટીસ વધવાનું એક કારણ અનહેલ્થી ખાનપાન - આહાર છે. આજકાલ લોકો બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ વધુ ખાવા લાગ્યા છે. આ જ કારણ છે કે આ રોગના ઝડપી ફેલાવવાની શક્યતાઓ છે. ધ લેન્સેટના અભ્યાસ મુજબ, ભારતમાં હાલમાં 101 મિલિયનથી વધુ લોકોને ડાયાબિટીસ છે. છેલ્લા ચાર વર્ષમાં આ રોગના દર્દીઓમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો છે.


 






---