કર્ણાટક હાઈકોર્ટે તાજેતરના ચુકાદામાં જણાવ્યું હતું કે લગ્ન પછી પતિ દ્વારા શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરવો એ IPCની કલમ 498A હેઠળ ક્રૂરતા સમાન નથી. જોકે, કર્ણાટક હાઈકોર્ટે કહ્યું હતું કે હિન્દુ મેરેજ એક્ટ-1995 હેઠળ આ ક્રૂરતા છે. આ સાથે હાઈકોર્ટે 2020માં પતિ અને તેના માતા-પિતા વિરુદ્ધ પત્ની દ્વારા દાખલ કરાયેલા ફોજદારી કેસને ફગાવી દીધો હતો.


લાઈવ લૉ વેબસાઈટ અનુસાર, પતિએ દહેજ નિષેધ અધિનિયમ, 1961ની કલમ 4 અને આઈપીસીની કલમ 498A હેઠળ તેની અને તેના પરિવાર વિરુદ્ધ દાખલ કરાયેલ ચાર્જશીટને કર્ણાટક હાઈકોર્ટમાં પડકારી હતી. જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ માન્યું હતું કે અરજદાર સામેનો એકમાત્ર આરોપ એ છે કે તે કોઈ આધ્યાત્મિક વિચારનો અનુયાયી છે અને માને છે કે પ્રેમ ક્યારેય શારીરિક સંબંધ પર આધારિત નથી હોતો. બે આત્મા વચ્ચેનું મિલન હોવું જોઇએ.


પતિ ક્યારેય પત્ની સાથે સેક્સ કરવા માંગતો ન હતો - કર્ણાટક હાઈકોર્ટ


જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ કહ્યું હતું કે  “તે (પતિ) ક્યારેય તેની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઇરાદો ધરાવતો નહોતો. જે ચોક્કસપણે હિંદુ મેરેજ એક્ટની કલમ 12(1) હેઠળ ક્રૂરતા સમાન છે, પરંતુ તે IPCની કલમ 498-A હેઠળ નિર્ધારિત ક્રૂરતા નથી. સાથે તેમણે કહ્યું હતું કે ફરિયાદ કે ચાર્જશીટમાં એવા કોઈ તથ્યો નથી જે IPCની કલમ હેઠળ ક્રૂરતા હોવાનું સાબિત કરે છે .


આ પતિ અને તેના પરિવારની હેરાનગતિ હશે – હાઈકોર્ટ


કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસે એમ પણ કહ્યું કે છૂટાછેડા માટે ફેમિલી કોર્ટે શારીરિક સંબંધો ન રાખવાને ક્રૂરતા ગણાવી હતી. આના આધારે ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવાની મંજૂરી આપવી એ કાયદાની સતામણીમાં બદલાઇ જશે અને કાયદાનો દુરુપયોગ સમાન ગણાશે.


શું હતો કેસ?


આ દંપત્તિના લગ્ન 18 ડિસેમ્બર 2019ના રોજ થયા હતા, પરંતુ લગ્નના માત્ર 28 દિવસ બાદ જ પત્નીએ પોતાના પતિનું ઘર છોડી દીધું હતું. 5 ફેબ્રુઆરી 2020 ના રોજ પત્નિએ IPCની કલમ 498A અને દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સાથે તેણે હિંદુ મેરેજ એક્ટ હેઠળ કેસ દાખલ કરીને લગ્ન રદ કરવાની માંગ કરી હતી. 16 નવેમ્બર 2022ના રોજ બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા.