નવી દિલ્હીઃ રિટેલ ક્ષેત્રના ડી-માર્ટ બ્રાન્ડના ફાઉન્ડર રાધાકિશન દમાણીએ પીએમ કેયર્સ અને અન્ય રાજ્યોના રાહત ફંડમાં કુલ 155 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ડી-માર્ટ પર માલિકી હક ધરાવતી કંપની એવેન્યૂ સુપરમાર્ટ્સએ એક નિવેદનમાં જણાવ્યું કે, કુલ દાનમાંથી 100 કરોડ રૂપિયા પીએમ કેયર્સ ફંડમાં આપ્યા છે અને 55 કરોડ રૂપિયા 11 રાજ્યના રાહત ફંડમાં આપવામાં આવશે. પીએમ કેયર્સ ફંડ કોરોના વાયરસ સામે લડવા માટે ફંડ એકઠું કરવા માટે બનાવવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 3000ને પાર પહોંચી ગઇ છે જ્યારે 76 લોકોના મોત થયા છે.


બ્લૂમબર્ગ બિલિનેયર્સ ઇન્ડેક્સ અનુસાર, 10.1 અબજ ડોલર સંપત્તિ સાથે રાધાકિશન દમાણી ભારતના ચોથા નંબરના સૌથી અમીર વ્યક્તિ છે. જ્યારે 39.3 અબજ ડોલર સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિ છે. તે સિવાય જાહેરક્ષેત્રની મંગલુરુ રિફાઇનરી પેટ્રોકેમિકલ્સ લિમિટેડે પીએમ કેયર્સ ફંડમાં 3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. એમઆરપીએલના કર્મચારીઓએ પણ ફંડ માટે એક કરોડ રૂપિયા એકઠા કર્યા છે.