Online Fraud with Dayanidhi Maran: તમિલનાડુના ચેન્નાઈમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સાંસદ દયાનિધિ મારને મંગળવારે (10 ઓક્ટોબર) ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું કે દયાનિધિએ તેમના બેન્ક ખાતામાંથી 99,999 રૂપિયા કોઇ અજાણ્યા શખ્સે ઉપાડી લીધા હોવાની ફરિયાદ નોંધાવી છે.






પોલીસે જણાવ્યું હતું કે તેમને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેના પછી તેમના બેન્ક ખાતામાંથી 99,999 રૂપિયા ઉપડી ગયા હતા. પૂર્વ સંચાર અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રી દયાનિધિ મારને તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને 8 ઓક્ટોબરના રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. કોલ ઉપાડ્યા બાદ તેમના બેન્ક ખાતામાંથી 99,999 રૂપિયા ડેબિટ કરવામાં આવ્યા હતા.


અજાણ્યા વ્યક્તિએ પોતાની ઓળખ બેન્ક કર્મચારી તરીકે આપી હતી


ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો જેણે પોતે બેન્કનો કર્મચારી હોવાનું કહ્યું હતું અને ટ્રાજેક્શનની વિગતો માંગી હતી. પોલીસે જણાવ્યું હતું કે મારને કોલર સાથે કોઈ માહિતી શેર કરી ન હોવા છતાં થોડા સમય પછી તેમને જાણકારી મળી હતી કે તેમના એકાઉન્ટમાંથી એક લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.         


પોલીસે તપાસ શરૂ કરી


લોકસભા સાંસદની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચ) દ્વારા 9 ઓક્ટોબરે કેસ નોંધવામાં આવ્યો હતો. શહેર પોલીસે જણાવ્યું હતું કે તેઓ હાલમાં છેતરપિંડી કરનારાઓને શોધવા માટે તપાસ કરી રહ્યા છે. હાલમાં તેમણે પેમેન્ટ ગેટવેને વિનંતી મોકલી છે કે બેન્ક ખાતામાંથી ઉપાડેલી રકમ વહેલી તકે પાછી મળે.


પોલીસે લોકોને સતર્ક રહેવા અપીલ કરી


પોલીસે લોકોને ઑનલાઇન બેંકિંગ છેતરપિંડીથી સજાગ રહેવા વિનંતી કરી છે અને સાયબર ક્રાઈમ સંબંધિત કોઈપણ ફરિયાદ માટે તેઓએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરવા અથવા નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ - www.cybercerime.gov.in પર તેમની ફરિયાદ નોંધાવવાની સલાહ આપવામાં આવી હતી.