Delhi blast: દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરના રોજ થયેલા કાર બોમ્બ વિસ્ફોટ પાછળનું રહસ્ય આખરે ડીએનએ ટેસ્ટ બાદ ખુલ્યું છે. તપાસ એજન્સીઓએ પુષ્ટી કરી હતી કે આ હુમલાને અંજામ આપનાર વ્યક્તિ કાશ્મીરનો રહેવાસી મેડિકલ પ્રોફેશનલ ડોક્ટર ઉમર ઉન નબી હતો જેનું વિસ્ફોટમાં મોત થયું હતું. સોમવારે સાંજે જૂની દિલ્હી વિસ્તારના એક રસ્તા પર વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા હતા અને 20થી વધુ ઘાયલ થયા હતા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકની દુકાનોના કાચ તૂટી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ડીએનએ ટેસ્ટથી થઈ ઓળખ
પ્રારંભિક તપાસ ડૉ. ઉમર પર કેન્દ્રિત હતી, કારણ કે તેણે ઘટનાના 10 દિવસ પહેલા બોમ્બ વિસ્ફોટમાં વપરાયેલી સફેદ હ્યુન્ડાઇ i20 કાર ખરીદી હતી. વિસ્ફોટ પછી કારની નજીકથી તેના મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા, પરંતુ ઓળખ શક્ય નહોતી. હવે, પુલવામામાં તેના પરિવાર પાસેથી એકત્રિત કરાયેલા નમૂનાઓના ડીએનએ ટેસ્ટથી પુષ્ટી થઈ હતી કે તે જ હુમલાખોર હતો.
ડોક્ટર મોડ્યુલનો ખુલાસો
તપાસમાં જાણવા મળ્યું છે કે ઉમર જૈશ-એ-મોહમ્મદ (JeM) ના લોજિસ્ટિક્સ મોડ્યુલ સાથે સંકળાયેલો હતો, જે ફરીદાબાદ, લખનઉ અને દક્ષિણ કાશ્મીર વચ્ચે કાર્યરત હતો. આ મોડ્યુલમાં આશરે 9 થી 10 સભ્યો હતા, જેમાં 5 થી 6 ડોક્ટરોનો સમાવેશ થતો હતો. આ ડોક્ટરોએ રસાયણો અને વિસ્ફોટક સામગ્રી મેળવવા માટે તેમની પ્રોફેશનલ ઓળખનો ઉપયોગ કર્યો હતો.
ફરીદાબાદમાંથી 2,900 કિલો એમોનિયમ નાઈટ્રેટ જપ્ત
9 નવેમ્બરના રોજ વિસ્ફોટના એક દિવસ પહેલા પોલીસે ફરીદાબાદના એક વેરહાઉસમાંથી 2,900 કિલો એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું. ત્યારબાદ ડૉ. ઉમર ગુમ થઈ ગયો હતો. તે છેલ્લે ધૌજ ગામ નજીક જોવા મળ્યો હતો. તેણે પોતાના 5 મોબાઈલ ફોન બંધ કરી દીધા હોવાનું કહેવાય છે અને 30 ઓક્ટોબરથી યુનિવર્સિટી ડ્યુટી પર હાજર થયા ન હતો.
અન્ય ઘણા લોકોની પણ અટકાયત
આ આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય ઘણા વ્યક્તિઓની પણ અટકાયત કરવામાં આવી છે. ફરીદાબાદમાં ધરપકડ કરાયેલ ડૉ. શાહીન શાહિદ ભારતમાં જૈશ-એ-મોહમ્મદની મહિલા વિંગ જમાત-ઉલ-મોમિનીનની વડા હોવાનું કહેવાય છે. ડૉ. મુઝમ્મિલ અહેમદ અને ડૉ. તજામુલ અહેમદ મલિકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓએ દક્ષિણ કાશ્મીરમાં જમાત-એ-ઇસ્લામીના કાર્યકરોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે, ખાસ કરીને મૌલવી ઇરફાનની ધરપકડ બાદ જેના પર ત્રણ ડોક્ટરોને કટ્ટરપંથી બનાવવાનો આરોપ છે.
તુર્કીથી જોડાયેલા છે હેન્ડલર્સ
પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ઉમર અને ડૉ. મુઝમ્મિલ બંને તુર્કી ગયા હતા, જ્યાં તેમના હેન્ડલર્સે તેમને સૂચનાઓ આપી હતી. તેમના પાસપોર્ટ તુર્કીની મુસાફરીના પુરાવા દર્શાવે છે જે તેમણે ચોક્કસ ટેલિગ્રામ જૂથોમાં જોડાયા પછી તરત જ કરી હતી. આ હેન્ડલર્સે ડૉક્ટર મોડ્યુલને ભારતના વિવિધ ભાગોમાં ફેલાવવા અને ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવવા સૂચના આપી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મોડ્યુલ દિવાળી દરમિયાન મોટા પાયે હુમલો કરવાની યોજના બનાવી રહ્યું હતું, પરંતુ સમયસર કાર્યવાહીથી તેને નિષ્ફળ બનાવવામાં આવ્યો. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ડોક્ટરોને બે ટેલિગ્રામ ગ્રુપ્સ મારફતે કટ્ટરપંથી બનાવવામાં આવ્યા હતા, જેમાંથી એક પાકિસ્તાન સ્થિત જૈશ હેન્ડલર્સ ઉમર દ્ધારા સંચાલિત હતું. અધિકારીઓ માને છે કે તેમનો હેતુ 2008ના મુંબઈ હુમલા જેટલો મોટો હુમલો કરવાનો હતો.
ઉમરના પરિવારે શું કહ્યું?
કાશ્મીરના પુલવામાના કોઇલ ગામમાં ઉમરનો પરિવાર આઘાતમાં છે. એક સંબંધીએ કહ્યું, "તે ખૂબ જ શાંત અને અંતર્મુખી હતો. તે પોતાનો મોટાભાગનો સમય પુસ્તકો વાંચવામાં વિતાવતો હતો..." જોકે, પોલીસ સૂત્રો કહે છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં તેનું વર્તન બદલાઈ ગયું હતું. તે વારંવાર ફરીદાબાદ અને દિલ્હી વચ્ચે મુસાફરી કરતો હતો અને રામલીલા મેદાન અને સુનેહરી મસ્જિદ નજીકની મસ્જિદોમાં જોવા મળતો હતો. સીસીટીવી ફૂટેજમાં તે વિસ્ફોટ પહેલા બપોરે 3 વાગ્યે મસ્જિદ પાસે પોતાની કાર પાર્ક કરતો અને પછી સાંજે લાલ કિલ્લા તરફ જતો જોવા મળે છે.
તપાસ એજન્સીઓ એલર્ટ પર
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ઉત્તર પ્રદેશ એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) સહિત અનેક એજન્સીઓ ફરીદાબાદ મોડ્યુલ સાથે જોડાયેલા અન્ય શંકાસ્પદોની શોધ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓએ રાજધાની અને અન્ય મોટા શહેરોમાં હાઇ એલર્ટ જાહેર કર્યું છે.