Canada Row: કેનેડા સાથે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયા પ્લેટફોર્મને કડક એડવાયઝરી જારી કરી છે. સરકારે ટીવી ચેનલોને દેશના દુશ્મનોને ડિબેટમાં આમંત્રિત ન કરવાની સલાહ આપી છે. મંત્રાલયે કહ્યું કે તાજેતરમાં એવા વ્યક્તિઓને ટીવી પર ચર્ચા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમની સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે.


ગુરુવારે જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, મંત્રાલયના ધ્યાન પર આવ્યું છે કે એક વિદેશી વ્યક્તિને ટેલિવિઝન ચેનલ પર ચર્ચા માટે આમંત્રિત કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિ વિરુદ્ધ આતંકવાદ સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે અને ભારતમાં કાયદા દ્વારા પ્રતિબંધિત છે. આ વ્યક્તિએ ઘણી ટિપ્પણીઓ કરી હતી જે દેશની સાર્વભૌમત્વ/અખંડિતતા, ભારતની સુરક્ષા, એક વિદેશી દેશ સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો માટે પ્રતિકૂળ હતી. તેનાથી દેશમાં જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચવાની પણ સંભાવના હતી.


 






ટેલિવિઝન ચેનલોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના એજન્ડા માટે આવી પૃષ્ઠભૂમિની વ્યક્તિઓને કોઈપણ પ્લેટફોર્મ આપવાનું ટાળે, એમ એક સત્તાવાર રિલીઝમાં જણાવાયું છે. આમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેમની સામે ગંભીર ગુના/આતંકવાદના આરોપો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર મીડિયાની સ્વતંત્રતા જાળવી રાખે છે અને બંધારણ હેઠળ તેના અધિકારોનું સન્માન કરે છે, ટીવી ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવતી સામગ્રીને સીટીએન એક્ટ, 1995નું પાલમ કરવું જોઈએ, જેમાં કલમ 20 ની પેટા-કલમ (2) સામેલ છે.


ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધ્યો છે. પહેલા બંને દેશોના રાજદ્વારીઓને દેશમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હવે ભારત સરકારે કેનેડાના નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. કેનેડાના વડાપ્રધાને ભારત પર ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવતા બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. સરકારનું આ નોટિફિકેશન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને રાજદ્વારી વિવાદ ચાલી રહ્યો છે. નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની 'સંભવિત' સંડોવણીના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોને પગલે વિવાદ ફાટી નીકળ્યો હતો. ભારતે મંગળવારે આરોપોને "વાહિયાત" અને "પ્રેરિત" ગણાવીને ફગાવી દીધા હતા.