નવી દિલ્હીઃ ચૂંટણી અગાઉ અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે નવો ફતવો બહાર પાડ્યો છે. અમેરિકન કર્મચારીઓનું રક્ષણ કરવા માટે એચ-1 બી વિઝા અંગે નવા પ્રતિબંધો જાહેર કર્યા છે. ટ્રંપના આ નિર્ણયની અસર હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ પર થવાની છે.


3 નવેમ્બરે યોજાનાર અમેરિકન પ્રમુખની ચૂંટણી અગાઉ ડિપાર્ટમેંટ ઓફ હોમ લેંડ સિક્યુરિટી દ્વારા કરવામાં આવેલી જાહેરાત પછી સ્પેશિયલ એક્યુપેશનની વ્યાખ્યા સંકુચિત થઈ ગઈ છે. એચ-1 બી વિઝા એક નોન ઈમિગ્રેશનલ વીઝા છે. જે અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓને એક એવા વિશેષ વ્યવસાયમાં નિમણૂંક કરવાની મંજૂરી આપે છે. જેમાં સૈદ્ધાંતિક અથવા ટેક્નિકલ નિપુણતાની જરૂરીયાત હોય.

ટેકનોલોજી કંપનીઓ દર વર્ષે ભારત અને ચીનમાંથી આ વિઝા પર હજારો કર્મચારીઓની નિમણૂંક કરે છે. એચ-1બી વિઝાની જોગવાઈઓ કડક બનાવવાને કારણે અગાઉ જ અનેક ભારતીયો મોટા પ્રમાણમાં નોકરી ગુમાવી ચુક્યા છે.

મંત્રાલય અનુસાર નવા નિમયોનો અમલ 60 દિવસમાં કરવામાં આવશે. અગાઉ જૂન મહિનામાં ટ્રંપે અમેરિકન કર્મચારીઓનું રક્ષણ કરવા માટે 2020 અંત સુધી એચ-1બી સહિતના ફોરેન વર્ક વિઝા પર પ્રતિબંધ મુકી દીધો હતો.