નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં શાહરૂ ખાન અને કાજોલની સુપરહિટ ફિલ્મ દિવલાવે દુલ્હનિયા લે જાયેંગેનો ઉલ્લેખ કર્યો છે. તેમણે બોલિવડનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભારત એ દેશ છે જ્યાં દર વર્ષે અંદાજે 2 હજાર ફિલ્મો બને છે. તેમણે બોલિવૂડના જીનિયસ અને ક્રિએટિવિટીનું હબ ગણાવ્યું છે.


ટ્રમ્પે પોતાના ભાષણમાં જ્યારે બોલિવૂડનો ઉલ્લેખ કરવાનું શરૂ કર્યું તો મોટેરા સ્ટેડિયમમાં બેઠેલ એક લાખથી વધારે લોકો ઝૂમી ઉઠ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં લોકો અહીંની ફિલ્મો જુએ છે. તેમણે કહ્યું કે, લોકો ભાંગડા, મ્યૂઝિક ડાંસ, રોમાંસ, ડ્રામા અને ક્લાસિક ભારતીય ફિલ્મો, જેમ કે ડીડીએલજેને ખૂબ પસંદ કરે છે.

મોટેરા સ્ટેડિયમમાં ડોનાલ્ડ ટ્રમ્પે નમસ્તે કહીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા હંમેશા ભારતને વફાદાર રહેશે. મોદી દેશ માટે સારું કામ કરી રહ્યા છે. મોટેરા સ્ટેડિયમ ખૂબ જ સરસ છે. હું આ શાનદાર સ્વાગત માટે તમારો આભાર માનું છું.

તમને જણાવીએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના  ભારતના પ્રવાસ પર છે. આ દરમિયાન તેઓ પ્રથમ દિવસે આજે ગુજરાતના અમદાવાદ પહોંચ્યા છે. પહેલા તેમણે મહાત્મા ગાંધીના સાબરમતિ આશ્રમ જઈને ગાંધીજીનો ચરખો ચલાવ્યો અને ગાંધીજીને શ્રદ્ધાંજલી આપી હતી. ત્યાર બાદ તેમણે 22 કિલોમીટરનો લાંબો રોડ શો કરીને મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. અહીં અમિત શાહે તેમનું સ્વાગત કર્યું હતું.