કોટાઃરાજસ્થાનના કોટા હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 104 બાળકોના મોત થઇ ચૂક્યા છે. આ મામલાને લઇને ગેહલોત સરકાર વિપક્ષના નિશાન પર આવી ગઇ છે. આ મુદ્દે કોગ્રેસ હાઇકમાન્ડ પણ ગેહલોત સરકારથી નારાજ છે. આ બધા વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ સમગ્ર મામલે મીડિયાને જ નિશાન બનાવ્યું હતું. અને કહ્યું કે, જે રીતે ઘટનાને મીડિયામાં કવરેજ આપવામાં આવી રહ્યુ છે તેમાં કોઇ દમ નથી. છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછા આંકડાઓ હવે આવી રહ્યા છે.


તેમણે કહ્યુ કે, નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ આખા દેશમાં જે માહોલ બન્યો છે તેનાથી ધ્યાન હટાવવા માટે આ મુદ્દાને ઉઠાવવામાં આવી રહ્યો છે. હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે આ વર્ષે બાળકોના મોતના આંકડામાં અગાઉના કેટલાક વર્ષોની સરખામણીમાં ઘટાડો થયો છે.

ગેહલોતે ટ્વિટ કરી જણાવ્યું હતુ કે, અમે 2013માં પ્રથમવાર નાના બાળકો માટે મશીનો મંગાવ્યા હતા. પરંતુ સરકાર બદલતા કામ ઠપ્પ થઇ ગયું. અગાઉની ભાજપ સરકાર અને મીડિયા પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, હું કોઇને દોષ આપી રહ્યો નથી.