ગાંધીનગર: કોરોનાના કારણે વધુ એક ટોચના અધિકારીએ જીવ ગુમાવ્યો છે. ગુજરાત કેડરના આઈએએસ અધિકારી ગુરૂપ્રસાદ મહાપાત્રનું પોસ્ટ કોવિડના કારણે અવસાન થયું છે. 1986 બેચના આઇએએસ ઓફિસર હતા મહાપાત્ર કેન્દ્રમાં ડેપ્યુટેશન પર હતા અને હાલમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી) સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. મોદીની નજીકના અધિકારીઓમાં તેમની ગણના થતી હતી.


દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં શનિવારે સવારે તેમનું અવસાન થયું હતું કોરોના સંક્રમણનો શિકાર બન્યા પછી મહાપાત્ર છેલ્લા દોઢ મહિનાથી એઇમ્સમાં દાખલ હતા. લાંબા સમય સુધી વેન્ટીલેટર અને કોમામાં રહ્યાં પછી શનિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.


મહાપાત્રે સુરત અને અમદાવાદ એ બે મોટાં શહેરોના કમિશનર પદે રહીને બંને શહેરની અનેક સમસ્યાઓ હલ કરી હતી. તેમણે રાજકોટ અને જૂનાગઢમાં જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.


દિલ્હી ગયા પછી તેમણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી હતી. તેમણે વાણિજ્ય મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી છે તેમણે સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના પ્રમોશન માટે ઉત્તમ કામ કર્યું છે. તેમનું મૂળ વતન ઓરિસ્સાનું ભૂવનેશ્વર હતું. તેઓ એપ્રિલ 2022માં નિવૃત્ત થવાના હતા. એક તબક્કે તેમનું નામ ગુજરાતના ચીફ સેક્રેટરીના પદ માટે પણ ચર્ચામાં આવ્યું હતું.


તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ લાંબા સમય સુધી સર્વિસ આપી હતી. તેઓ લોકપ્રિય સાહિત્યકાર સ્વર્ગીય મહાપાત્ર નિલમણી સાહૂના સૌથી નાના પુત્ર હતા.


ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અંજલિ આપતાં કહ્યું હતું કે, મહાપાત્ર સાથે ગુજરાત અને દિલ્હીમાં કામ કરવાનો મોકો મળ્યો છે. તેઓ વહીવટી તંત્રના વિવિધ પ્રશ્નોને સમજતા હતા અને તેનો નિકાલ કરવા માટે કામ કરતા રહ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે મહાપાત્રના અવસાનથી ગુજરાત કેડરના એક સંનિષ્ઠ અધિકારી ગુજરાતે ગુમાવ્યા છે. પ્રભુ તેમના આત્માને સદગતિ આપે અને તેમના પરિવારને અવસાનથી આવી પડેલા દુખને સહન કરવાની શક્તિ આપે.