નવી દિલ્હી : કોરોના મહામારીને ફેલાતી અટકાવવા અનેક દેશોએ લોકડાઉન લગાવ્યું હતું. જેના કારણે અનેક લોકો બેરોજગાર થઈ ગયા હતા. અનલોક બાદ પણ વેપાર-ધંધાની ગાડી પૂર્વવત ન થતાં અનેક લોકોની હાલત કફોડી બની ગઈ છે. આ દરમિયાન દૈનિક મજૂરી કરીને પેટીયું રળતાં લોકો સહિત ઘણા લોકોએ આત્મહત્યા કરી હોવાના બનાવ પણ સામે આવ્યા છે. કોરોનાની

  સૌથી માઠી અસર દૈનિક કમાતા અને દૈનિક ખર્ચ કરતા મજૂરો પર જોવા મળી છે.


આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઇએલઓ) દ્વારા તાજેતરમાં કોરોનાને કારણે બેરોજગાર બની ગયેલા કામદારો પર સરવે  હાથ  ધરાયો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે દુનિયામાં 7.56 કરોડ અને ભારતમાં 47 લાખ ઘરેલુ કામદારો છે. જે પૈકી મોટા ભાગના પર કોરોનાની અસર થઇ છે.   આઇએલઓના ડાયરેક્ટર જનરલ ગાએ રાઇડરે જણાવ્યું હતું કે દુનિયામાં કુલ 7.56 કરોડ કામદારો ઘરેલુ કામકાજ સાથે સંકળાયેલા છે.  જે દુનિયાના કુલ રોજગારનો 4.5 ટકા હિસ્સો છે. કોરોનાને કારણે તેમની રોજગારી પર બહુ જ માઠી અસર પહોંચી છે. કોરોના સંકટે સાબિત કરી દીધુ કે ઘરેલુ કામને ઔપચારિક રૂપ દેવાની તાત્કાલીક જરૂર છે. જેથી તેમને શ્રમ અને સામાજિક સુરક્ષા કાયદા અંતર્ગત સુરક્ષા મળી શકે. 


રિપોર્ટના જણાવ્યા અનુસાર વિશ્વમાં આવા છ કરોડ કામદારોને કોરોના મહામારીની અસર થઇ છે અને તેમની રોજગારી પણ છીનવાઇ ગઇ છે. દુનિયામાં હાલ પણ 36 ટકા કામદારો એવા છે કે તેઓેને શ્રમ કાયદાનો લાભ કે સુરક્ષા નથી મળી રહી.  એશિયા, પેસિફિક અને અરબ દેશોમાં સ્થિતિ વધુ વિકટ છે. જ્યારે જે દેશોમાં ઘરેલુ કામદારો માટે શ્રમ અને સામાજિક કાયદાની સુરક્ષા છે ત્યાં પણ તેના અમલને લઇને અનેક પડકારો છે. માત્ર 18.8 ટકા ઘરેલુ કામદારોને રોજગાર સંબંધીત સામાજિક સુરક્ષા મળે છે. ભારતમાં કુલ ઘરેલુ કામદારો કે મજૂરોની સંખ્યા 47 લાખથી વધુ છે.


જેમાં સૌથી વધુ 28.70 લાખ મહિલાઓ છે જ્યારે પુરૂષોની સંખ્યા 19 લાખ જેટલી છે. જે કુલ નોકરીઓના 1.3 ટકા છે. ભારતમાં 85 ટકા ઘરેલુ મજૂર મહિલાઓ ઘરની સાફ સફાઇ જેવા કામ કરે છે. જ્યારે 1.7 ટકા મહિલાઓ રસોઇ કે સિક્યોરિટી ગાર્ડના કામકાજ સાથે સંકળાયેલી છે. દુનિયાભરમાં ઘરેલુ કામદારોમાં સૌથી વધુ 76.2 ટકા એટલે કે 5.77 કરોડ મહિલાઓ ઘરેલુ કામકાજ સાથે જોડાયેલી છે.